૨૦૦૬માં કોમ્યુનિટી હોલમાં લાયબ્રેરી માટે જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં લાયબ્રેરી ન બનતાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરનો આશ્ચર્યજનક કાર્યક્રમ
વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ સામે કોર્પોરેશન દ્વારા રૂ.૫.૨૮ કરોડનાં ખર્ચે બનાવેલી અત્યાધુનિક સુવિધાથી સજજ લાયબ્રેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ શહેરનાં વોર્ડ નં.૧૩માં ગુરૂપ્રસાદ ચોકમાં કોમ્યુનિટી હોલમાં લાયબ્રેરી માટે ફાળવવામાં આવેલી જગ્યામાં વર્ષોથી આવાસ યોજનાનાં અધિકારીનો કબજો હોય આજે કોંગ્રેસ દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ગુરુપ્રસાદ ચોકની લાયબ્રેરીનું જનતા લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. સાથો સાથ લાયબ્રેરીનું મહાત્મા ગાંધી નામકરણ પણ કરી દેવામાં આવ્યું હતું.
વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગ્રી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર દ્વારા થોડા દિવસે પૂર્વે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવામાં આવી હતી કે, વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં કોર્પોરેશનનાં કોમ્યુનિટી હોલમાં વર્ષ ૨૦૦૬માં લાયબ્રેરી બનાવવા માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી તેનાં પર છેલ્લા ૧૩ વર્ષથી આવાસ યોજનાનાં અધિકારીઓનો કબજો છે. લાયબ્રેરીને અધિકારીઓનાં કબજામુકત કરીને જનતા માટે ખુલ્લી મુકવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી સાથો સાથ એવી પણ ચીમકી આપવામાં આવી હતી કે જો તંત્ર લાયબ્રેરી ખુલ્લી નહીં મુકે તો કોંગ્રેસ તેનું જનતા લોકાર્પણ કરી દેશે. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક તરફ વોર્ડ નં.૯માં ૫.૨૮ કરોડનાં ખર્ચે બનેલી લાયબ્રેરીનું લોકાર્પણ કયુૃં હતું તો બીજી તરફ કોંગ્રેસે ગુરૂપ્રસાદ ચોકની લાયબ્રેરીનું જનતા લોકાર્પણ કરી નાખ્યું હતું અને આ લાયબ્રેરીને મહાત્મા ગાંધી લાયબ્રેરી નામ પણ આપી દીધું છે.
કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ જગ્યા લાયબ્રેરી માટે ૨૦૦૬માં ફાળવી દેવામાં આવી હતી છતાં સરકારની ખોરા ટોપરા જેવી દાનતનાં કારણે આજ સુધી લાયબ્રેરી બંધ હતી. વારંવાર રજુઆત કરવા છતાં કોઈપણ પરીણામ ન આવતા આજે કોંગ્રેસ દ્વારા લાયબ્રેરીનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે અને તેને મહાત્મા ગાંધી પુસ્તકાલય નામ આપવામાં આવ્યું છે જો તંત્ર દ્વારા અહીં પુસ્તકો માટે કોઈ સુવિધા ઉભી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પોતે સ્વખર્ચે પુસ્તકો ખરીદીને અહીં લોકો માટે સુવિધા ઉભી કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.