કાલે વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લા મૂકનારા ભવ્ય મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા સૌરાષ્ટ્રવાસીઓને ભાજપ નેતાનો હાર્દિક અનુરોધ

ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, રાજકોટના પનોતા પુત્ર અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તમામ ભારતવાસીઓને ગર્વ થાય તેવી ભેટ આપી છે. આગામી બીજી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવનારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ’ ઊભું કરવામાં આવ્યું છે.

પૂ. બાપૂ રાજકોટની જે આફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા એ શાળાને હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરને આપેલી આ ભેટ આગામી સદીઓ સુધી પૂ. બાપુની પૂણ્ય-સ્મૃતિને જીવંત રાખશે અને માત્ર ભારત જ નહીં, વિશ્વભરના લોકોને ગાંધીજીનો જીવનસંદેશ આપતી રહેશે.

આવતીકાલે ત્રીસમી સપ્ટેમ્બર, રવિવારના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ખુલ્લા મૂકાનારા પ્રેરણાધામ સમા આ અનોખા મ્યુઝિયમને મહાત્મા ગાંધી મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા શ્રી ધ્રુવે તમામ સૌરાષ્ટ્રવાસીઓને હાર્દિક અનુરોધ કર્યો છે.

ગાંધીજીના વિચારોમાં જગત આખાની સમસ્યાઓનું સમાધાન છે તે હકીકતની વિશ્વભરના નેતાઓ અને લોકોને અનુભૂતિ થઇ ચૂકી છે ત્યારે ગાંધી વિચારસરણીને તાદ્રશ્ય કરતા ગાંધી અનુભૂતિ કેન્દ્રને પૂ. બાપુની સાદગીને અનુરૂપ છતાં, આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉત્કૃષ્ટતા બક્ષવા માટે શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારે જહેમત ઉઠાવી છે.

ત્યારે આ મ્યુઝિયમનાં લોકાર્પણની ઘડી તમામ રાજકોટવાસીઓ માટે અપૂર્વ અવસર સમાન બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીજીએ રાજકોટની આફ્રેડ હાઇસ્કૂલમાં બાળપણથી તરુણાવસ્થા સુધી, સાત વર્ષ અભ્યાસ કર્યો હતો અને જે જીવનમુલ્યો ગ્રહણ કર્યા હતા તેનાથી તેમણે માત્ર પોતાનું જ નહીં અસંખ્ય લોકોનું જીવન પરિવર્તન કર્યું તે સંદર્ભમાં, આ મ્યુઝિયમ સવિશેષ મહત્વનું બની રહેશે અને આ યશના અધિકારી શ્રી વિજયભાઈ રૂપાણી છે તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

મ્યુઝિયમ વિષે રસપ્રદ માહિતી આપતાં એક નિવેદનમાં શ્રી ધૃવે જણાવ્યું છે કે, મોહનથી મહાત્મા બનેલા ગાંધીજીના સત્ય, અહિંસા, ભાઈચારાનાં આદર્શો, દેશભાવનાના અનન્ય વૈચારિક સિદ્ધાંતો તેમજ મુલ્યનિષ્ઠ જીવનસફરનાં અનેક સંસ્મરણોને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં અદ્યતન ટેકનોલોજીની મદદથી અલગ-અલગ પ્રકારે આધુનિક ઢબે પ્રસ્તુત કરવામાં આવશે.

ભાજપ નેતાએ વધુમાં જણાવ્યું છે કે, રાજકોટમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમમાં બારેમાસ પાણી, ન્યૂ રેસકોર્સ-૨, અટલ સરોવર, આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, આધુનિક બસપોર્ટ, રૈયા અને મવડી સર્કલ ઓવરબ્રીજ, નવી જીઆઈડીસી, નવો ક્ધટેનર ડેપો, નવા ઓડિટોરીયમ, નવું કોર્ટ સંકુલ-પોલીસમથકો, રાજકોટ આઇવે પ્રોજેક્ટ, રાજકોટઅમદાવાદ સિક્સલેન હાઈવે, રાજકોટ-મોરબી ફોરલેન હાઈવે, મહિલાઓ માટે ખાસ નવા સ્વિમીંગપુલ, નવી લાઈબ્રેરીઓ, સિવિલ હોસ્પિટલનું નવિનીકરણ, ગરીબો અને મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાઓ, આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજી-૧ ડેમથી શરૂ થઈ બેડીગામ પાસે આજી-૨ ડેમ સુધી ૧૧ કિલોમીટર લંબાઈના વિસ્તારમાં આજી રિવરફ્રન્ટ તથા મહાપાલિકાની નવી ટીપી સ્કીમને તાત્કાલિક મંજૂરી વગેરે કેટકેટલી ભેટ શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાજકોટને આપી છે. પોતાના વ્હાલાં શહેરના વિકાસની નવી જ કેડી તેમણે કંડારી છે. મુખ્યમંત્રીના હૈયે હંમેશા રાજકોટનું હિત વસેલું છે એ વારંવાર સાબિત થતું આવ્યું છે. એક પછી એક કરોડો રૂપિયાના અભૂતપૂર્વ વિકાસ કાર્યોની ભેટ રાજકોટને આપનારા વિજયભાઈ રૂપાણીએ મહાત્મા ગાંધીમ્યુઝિયમ’ દ્વારા રાજકોટ આંતરરાષ્ટ્રીય કક્ષાની વધુ એક અમૂલ્ય ભેટ ધરી છે. રાજકોટવાસીઓ સદાય તેમના ઋણી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.