ગોંડલનાં જામવાડી ગામે જિલ્લા કક્ષાની સ્વચ્છતા દિન અને ફીટ ઈન્ડિયા દિવસની ઉજવણી:રૂ.૮ લાખના ખર્ચે નિર્મિત ડો.આંબેડકર ભવનનું લોકાર્પણ: કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી સમગ્ર રાજય અને રાષ્ટ્રમાં ભાવપૂર્ણ રીતે થઇ રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જામવાડી ગામે જિલ્લા કક્ષાની સ્વચ્છતા દિન અને ફીટ ઇન્ડીયા દિવસ ની ઉજવણી કરાઇ હતી. પૂ. બાપૂના અનુસુચિત જાતિના ઉત્કર્ષ માટેના આદર્શોને અનુસરીને જામવાડી ગામેરૂ. ૮ લાખના ખર્ચે ડો. આંબેડકર ભવનનું લોકાર્પણ રાજયના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાયું હતું.
આજના વર્તમાન ભૌતિકવાદના સમયમાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના પુન:નિર્માણ માટે ગાંધી વિચારધારા એ જ એકમાત્ર સચોટ વિકલ્પ છે તેમ જામવાડી ખાતે આવેલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી જયેશભાઇ રાદડીયાએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સત્ય, સાદગી અને અહીંસાના આગ્રહી એવા પૂ. બાપૂ સ્વચ્છતાના પણ આગ્રહી હતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને જીવનપર્યત નિભાવીને તેમણે સમગ્ર સમાજને સ્વચ્છતાના ગુણોને જીવનમાં કેળવવાનો આદર્શ વિચાર આપ્યો છે. આ તકે તેઓએ પ્લાસ્ટીકમુક્ત ભારતના વડાપ્રધાન મોદીના અભિયાનને પરિપૂર્ણ કરવા અને પ્લાસ્ટીકના વિકલ્પે કપડાની થેલી તથા શણની થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પૂ. બાપુને મહાત્માનું બિરૂદ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી દ્વારા અપાયુંહતું તે ગોંડલ માટે ગૌરવની બાબત છે તેમ જણાવતાં ગાંધીજીના સ્વચ્છતા, સાદગી સાથેના ઉચ્ચ વિચારોને જીવન ઉતારવાનો અનુરોધ કર્યો હતો. તેઓએ સમગ્ર ગોંડલ તાલુકાના નાગરીકોને આ સ્વચ્છ ભારત અભિયાન સહભાગી થઇ તાલુકાને સ્વચ્છ અને નમુનેદાર બનાવવા હાકલ કરી હતી.
જિલ્લા કલેકટર રૈમ્યા મોહને પ્લાસ્ટીકના કચરાથી થતાં નુકશાન બાબતે ગંભીરતા કેળવવા અને પ્લાસ્ટીકના વપરાશને જીવન શૈલીમાંથી દુર કરવા ભાર મૂકતાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ ધન કચરામાંથી ખાતર અને ઉપયોગી વસ્તુ બનાવવાના પ્લાન્ટ કાર્યરત કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ પ્લાસ્ટીકની ચિજવસ્તુના વપરાશને જાકારો આપી આવનારી પેઢી માટે સ્વસ્થ અને તંદૂરસ્ત સમાજની રચના માટે સંકલ્પબધ્ધ થવા હાકલ કરી હતી. આ સાથે તેઓએ ઉપસ્થિત સૌ કોઇને પોતાના રહેઠાણ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અનુરોધ કરતાં સ્વચ્છ ભારતનું નિમાર્ણ એજ પૂ. બાપૂને સાચી ભાવાંજલી ગણાશે તેમ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરાજ મીના, ડી.વાય એસ.પી. મહર્ષી રાવલ, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન ડોબરીયા, નગરપાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, જામવાડી ગામના સરપંચ મીનાબેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.