- મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે
- કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ADC બેંકના ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’નો પ્રારંભ
- સહકારિતા મંત્રી અમિત શાહ
- નાના માણસની મોટી બેંકના મંત્રને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો
- સહકારિતા મંત્રાલય કાર્યરત થવાથી ખેડૂતો-પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો લેવાયા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- નરેન્દ્ર મોદી અને અમિત શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે.
- સહકારી સેક્ટર અમિતના દિશાદર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે.
- અમિત શાહે ચેરમેન તરીકે ખોટમાં ચાલતી ADC બેંકને એક જ વર્ષમાં નફામાં લાવી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આજે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCનો ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’ યોજાયો હતો.
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે – ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક પરિવારના સભ્યોને સેવાની શતાબ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા અનેક ઉતાર-ચડાવ જોઈને જ્યારે 100 વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે કામ કરે, તે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષનો છે, જેને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક છેલ્લા 100 વર્ષથી પૂર્ણ કરી રહી છે. ADC બેંક નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એટલા માટે જ, આજે ADC – નાના માણસોની મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ADC બેંકની સફળ શતાબ્દીને અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતોના ઉત્કર્ષના 100 વર્ષ ગણાવતા કહ્યું હતુ કે, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શાહુકારોના વિષચક્રમાંથી બચાવવા માટે વર્ષ 1925માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકે 100 વર્ષમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. છતાં પણ આજે રૂ. 17,000 કરોડથી વધુનો બિઝનેસ, રૂ. 100 કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો NPA રેટ તેમજ આશરે રૂ. 6,500 કરોડના ધિરાણ સાથે ADC બેંક દેશની સૌથી વધુ નફો કરતી અગ્રણી જિલ્લા સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
શાહે ઉમેર્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસે સામાન્ય વ્યવસ્થાનો અભાવ હતો, દુકાળના પરિણામે આર્થિક તંગી હતી અને ખેડૂતો શાહુકારોના વિષચક્રનો ભોગ બનતા હતા. તેવા કપરા સમયે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતમાં સહકારનો પાયો નાખવાની હાકલ કરી હતી. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરેલી સહકારિતા યાત્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેગ આપ્યો છે. ગુજરાતમાં શરૂ થયેલું સહકારિતા અંદોલન આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. જેના પરિણામે આવનાર 100 વર્ષ દરમિયાન સહકાર ક્ષેત્રે દેશના નાગરિકોનું યોગદાન વધશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત કેન્દ્રીય સહકારિતા મંત્રીએ શ્યામજીકૃષ્ણ વર્માની જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના જીવન પ્રસંગોને વાગોળતા કહ્યું હતું કે, શ્યામજીકૃષ્ણ વર્મા આઝાદીની લડતના એક ઉત્કૃષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને સાચા દેશભક્ત હતા. તેમણે વિદેશમાં રહીને આઝાદીની ચળવળમાં વિશેષ યોગદાન આપ્યું હતું.
સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, ‘નાના માણસની મોટી બેંક’ના મંત્રને ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. નાના વ્યક્તિએ સહકારી બેંકોના માધ્યમથી દેશના આર્થિક વિકાસમાં મોટું પ્રદાન આપ્યું છે. દેશમાં સહકારી માળખું વેર-વિખેર હતું ત્યારે સહકારી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા દેશમાં 70 વર્ષથી અલગ સહકારિતા મંત્રાલય સ્થાપવાની માંગ હતી, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ મંત્રાલય સ્થાપીને પૂર્ણ કરી છે. આ નવીન મંત્રાલય કાર્યરત થવાથી ખેડૂતો-પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં આવતી અનેક અડચણો આ મંત્રાલય શરૂ થવાથી દૂર થઇ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, એક સમયે ખોટ કરતી ADC બેંક આજે સૌથી નફો કરતી સહકારી બેંક બની છે. સેવા સહકારી મંડળીઓ દ્વારા હાલમાં પેટ્રોલ પંપ, ખાતર વેચાણ કેન્દ્રો, સસ્તા અનાજની દૂકાનો, પાર્લર જેવા અનેકવિધ નાના-મોટા વ્યવસાય શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્ર માટે મોડેલ બાય-લોઝ તૈયાર કર્યા છે જેને તમામ રાજ્યો સ્વીકાર્યા છે. ડિજિટલ યુગમાં બેંકો અને સહકારી સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદાજે 300 જેટલી યોજનાઓનો સીધો લાભ સહકારી ક્ષેત્રે મળતો થયો છે. પ્રથમવાર પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાની તમામ સહકારી મંડળીઓના બેંક ખાતા સહકારી બેંકમાં ખોલાવીને દેશને નવો રાહ ચીંધ્યો છે જેનો આજે સમગ્ર દેશમાં અમલ થવા જઈ રહ્યો છે.
ADC બેંકે જ્યારે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે અમદાવાદ-ગાંધીનગરના નાગરિકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણના વિકાસ માટે સેવાનો યજ્ઞ શરૂ કરે જેમાં, જરૂરી મદદ કરવાનું વિશ્વાસ અપાવતા મંત્રી શાહે કહ્યું હતું. ADC તમામ સહકારી બેંકોનું ‘તીર્થ સ્થાન’ સાબિત થયું છે. RBIના નિયમ મુજબ પાંચ ટકા NPAની સામે ADC અડધા ટકા કરતાં પણ ઓછો NPA દર ધરાવે છે જે બેંક સંચાલકોની બેંકના થાપણદારો-સભાસદો માટેની નિષ્ઠા-પારદર્શિતા દર્શાવે છે. આપણે ADC બેંકને વધુ પારદર્શક, સહયોગી અને જનસેવા માટેનું આદર્શ મોડલ બનાવું છે તેમ જણાવી સહકારિતા મંત્રી અમિત શાહએ બેંકની શતાબ્દી ઉજવણી નિમિત્તે ચેરમેન, વાઈસ ચેરમેન સહિત સૌ હોદ્દેદારો-સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારિતા ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સાથે સહકાર મંત્રાલયની બાગડોર પણ લોકલાડીલા સાંસદ અને યુવા સહકારી અગ્રણી અમિત શાહને સોંપી છે. ભૂતકાળમાં એડીસી બેંકના ચેરમેન તરીકે અમિત શાહનું વિઝનરી નેતૃત્વ મળ્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીએ વધુમા ઉમેર્યુ કે, અમિત શાહે સતત છ વર્ષથી NPA વધતાં મોટી રકમના બૂકલોસમાં આવી ગયેલી ADC બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી હતી. તેમજ વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિત શાહના નેતૃત્વના પ્રથમ વર્ષથી જ નફો કરવા લાગી હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી અમિતભાઈ શાહ સાહેબે લીધી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
સહકારી ક્ષેત્રે અમિત શાહે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન તથા બેંકોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં અમિત શાહના દિશાદર્શનમાં લેવાયા છે. તેમજ સહકાર ક્ષેત્રે કો-ઓપરેટિવ બેંકો સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશાદર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. સહકારિતા વચ્ચે સહકાર ‘કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ’ની મુવમેન્ટથી સહકારી બેંકો વચ્ચેનો તાલમેલ વધ્યો હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પ્રસંગે બેંકના સૌ અગ્રણીઓ-હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત’’ના સૂત્રને સહકારિતા મંત્રી અમિત શાહ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. વર્ષ 1925માં શરૂ થયેલી ADC બેંક એક વૃક્ષમાંથી આજે 208 શાખાઓ સાથે વટવૃક્ષ બની છે. ADC બેંકનો વિકાસ આધુનિક વિચારધારા, પારદર્શી વહીવટ અને પરિણામલક્ષી બેન્કિંગના સંકલ્પ સાથે થયો છે.
વિશ્વકર્માએ ઉમેર્યુ હતું કે, ADC બેંકે આદર્શ બેંક તરીકેના તમામ પેરામીટર્સને પરિપૂર્ણ કરી, રાજ્યની જિલ્લા સહકારી બેંકોમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી હરણફાળ ભરી છે. આજે ADC બેંક મોટું વટવૃક્ષ બની છે તેનો શ્રેય અમિત શાહના અથાગ પ્રયત્નો અને આગવી સૂઝને જાય છે. તેમણે વેપારી કુનેહથી બેંકનાં વહીવટને વેગવંતો બનાવ્યો. આ બેંકમાં અત્યારસુધીમાં 21.44 લાખથી વધુ નવા ખાતા ખોલાયા છે જેમાં અંદાજે રૂ. 6,188 કરોડની ડિપોઝીટ જમા છે.
ADC બેંકના ચેરમેન અજય પટેલે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રી અમિત શાહના સબળ નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વિકાસનાં અનેક નવા સોપાનો સર કરી રહ્યું છે. તેમને સહકરિતા વિભાગ સંભાળ્યા બાદ ૫૪ જેટલા સુધારા કર્યા છે. ગુજરાતમાં કો-ઓપરેશન ઓવર કો-ઓપરેટિવ પહેલ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને મદદ મળી રહી છે. આ પહેલ સહકારી ક્ષેત્રે નવો આયામ લખશે. બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે નિમિત્તે 31 માર્ચ, 2025 સુધી એટલે કે, 180 દિવસના વિશેષ સેવાયજ્ઞનું આયોજન હાથ ધરાયું છે. જેમાં આજુબાજુના ગામોમાં મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, શૈક્ષણિક સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત ADCના વાઈસ ચેરમેન જગદીશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ADC સાથે જોડાયેલા 575 સેવા સહકાર મંડળીઓના સભાસદોને વોકર, વ્હીલચેર અને ટ્રાઈસિકલ ઉપરાંત 673 ભજન મંડળીઓને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે વાદ્ય યંત્રો પણ આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ADC બેંકના વિશ્વાસ- સફળતાના 100 વર્ષ નિમિત્તે બેંકની વિકાસગાથા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠા ભરવાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય સહકારિતા સચિવ આશિષ બુટાણી વિવિધ સહકારી બેંકના ડાયરેક્ટરઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, બેંકના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.