- ગાંધીનગરમાં મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી
- ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો માર્ગ 27 જાન્યુઆરીથી 23 એપ્રિલ સુધી 3 મહિના માટે બંધ
- વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા
ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે મુખ્ય રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્ત્વનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ-5 થી ઘ-5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ 3 મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેર કર્યું છે કે, મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી માટે ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ સુધીનો માર્ગ આગામી ત્રણ મહિના સુધી બંધ રહેશે.
આ કામગીરી 27 જાન્યુઆરીથી 23 એપ્રિલ 2025 સુધી ચાલશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા P17/02થી P17/33 સુધી રેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વાહન વ્યવહારને સરળ બનાવવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહન ચાલકો માટે નવો રૂટ નિર્ધારિત કરાયો છે, જેમાં સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ તરફ જવા માટે જમણી બાજુ વળીને સિંગલ લાઈનમાં જવાનું રહેશે. આ ઉપરાંત ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ તરફ જવા માટે સામેના રોડ પર સિંગલ લાઈનમાં પ્રવાસ કરી શકાશે.
પ્રતિબંધિત રૂટ
ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટે આ વિશે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી માટે ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ ખાતે રેલિંગની કામગીરીના કારણે 3 મહિના સુધીના સમયગાળા માટે બંધ કરવામાં આવ્યો છે.
ડાયવર્ઝન રૂટ
જાહેરનામાં અનુસાર મુસાફરો માટે ડાયવર્ઝન રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોડ નંબર-5 ઉપર સેક્ટર 17/22થી ચ-5 તરફ જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ થતું હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી, ઘ-5 સર્કલથી રોડ નંબર-5 (ચ-5) તરફ જવા માટે સેક્ટર 17/22થી જમણી બાજુ વળી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ચ-5 તરફ જઈ શકાશે.
સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ સુધીનું કામ પૂર્ણ થયા પછી ચ-5 સર્કલથી સેક્ટર-17/22ના કટ સુધી જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ શરૂ કરવામાં આવ્યો છે. જેથી સેક્ટર-17/22થી ચ-5 સર્કલ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાથી સદર જગ્યાએ ચ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ડાબી બાજુ વળી ઘ-5 સર્કલ તરફ જઈ શકાશે.
ચ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું કામ પૂર્ણ થયા બાદ સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ સુધી મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. જેથી સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ તરફ એક તરફનો રોડ બંધ કરવામાં આવતો હોવાથી ચ-5 સર્કલ તરફથી આવતાં વાહનો સેક્ટર-17/22 કટથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ઘ-5 સર્કલ તરફ જઈ શકશે.
સેક્ટર-17/22 કટથી ઘ-5 સુધીનું કામ પૂર્ણ થયા બાદ ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. પરંતુ, ત્યાં રોડ ઉપર શોપિંગમોલ તથા દવાખાના, તેમજ બૅન્ક આવેલી હોવાથી રાતના સમયે કામ કરવામાં આવશે અને ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધી રાત્રિ દરમિયાન એક સાઇડનો રોડ બંધ કરવામાં આવશે. જેથી ઘ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ જઈ શકશે. આ રોડ ઉપર શોપિંગ મોલ, દવાખાના, બૅન્ક વગેરે હોવાના કારણે ટ્રાફિક માર્શલ રાખવામાં આવશે. જેથી રોડ ઉપર કોઈપણ વાહન પાર્ક ન થાય અને ટ્રાફિક જામની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ તકેદારી રાખવામાં આવશે.