રાજયસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ચુંટણીની રણનીતિ ઘડવા પક્ષોએ કામગીરી શ‚ કરતા ગાંધીનગર યુદ્ધ છાવણીમાં ફેલાયું છે.આ માટે રક્ષાબંધનના દિવસે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસ સ્થાને બેઠકોનો દોર શ‚ થયો હતો.બીજી તરફ ભાજપમાં જોડાઈ જવાન બીકે બેંગ્લુરુના રિસોર્ટમાં પહોંચાડવામાં આવેલા ગુજરાતના ધારાસભ્યો પણ રાજયમાં પાછા ફર્યા છે.
૮મી,ઓગસ્ટ મંગળવારે, ગુજરાતના રાજકીય ઈતિહાસની રસપ્રદ ઘટનાઓ આકાર પામે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. એકબાજુ ૮મીએ સવારના ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી રાજ્યસભાની ૩ બેઠકો માટેની ચૂંટણી ગાંધીનગર સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા હોલમાં યોજાશે. બીજીબાજુ, ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર ૮મી, ઓગસ્ટે બપોરના ૧૨ વાગ્યાથી મહાત્મા મંદિર ખાતે શરૂ થશે. જેમાં ગત સપ્તાહ દરમિયાન કોંગ્રેસમાં બળવાની સ્થિતિ સહિતની ઘટિત રસપ્રદ રાજકીય ઘટનાઓના તીવ્રતમ પડઘા વિધાનસભાની બેઠક દરમિયાન પડ્યાં વિના રહેશે નહીં, એમ મનાઈ રહ્યું છે.
તાજેતરમાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાંથી મુક્તિ બાદ કોંગ્રેસના ૬ ધારાસભ્યોના રાજીનામા, અન્ય ૭ ધારાસભ્યોનો કોંગ્રેસ સામે બળવો અને કેટલાક ધારાસભ્યોની ક્રોસ વોટિંગની સંભાવના, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમવાર નોટા(નન ઓફ ધ એબોવ)નો ઉપયોગના ચૂંટણી પંચના આદેશ ઉપરાંત કોંગ્રેસમાં વધુ ભંગાણને રોકવા માટે કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોની બેંગાલુરુના રિસોર્ટમાં શરણાગતિ જેવી ઘટિત સંખ્યાબંધ ઘટનાઓથી કોંગ્રેસ સમસમી ગયેલી છે. ૮મીએ, સવારે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યા બાદ વિધાનસભાની બેઠકમાં તેઓ હાજરી આપશે. આવા ચોંકાવનારા રાજકીય ઘટના ક્રમ બાદ તેમનો સામનો પ્રથમવાર ભાજપના સભ્યો સાથે થશે ત્યારે તેઓ પ્રત્યાઘાત આપ્યા વિના રહેશે નહીં અને તેનો જવાબ પણ ભાજપના સભ્યો દ્વારા એટલી જ આક્રમકતાપૂર્વક અપાય તેવી સંભાવના છે. રાજ્યસભાની ખાલી પડેલી ૩ બેઠકો માટે અમિત શાહ, સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના એહમદ પટેલ અને કોંગ્રેસમાંથી બળવો પોકારીને ભાજપના સભ્ય થયેલા બળવંતસિંહ રાજપૂત આ ચૂંટણીમાં ઉમેદવાર છે. ચૂંટણીમાં એકડા-બગડા ઘૂંટવાની રમત રમાઈ રહી છે. રાિષ્ટ્રય કોંગ્રેસનો ચહેરો મનાતા એહમદ પટેલને કોઈપણ સંજોગોમાં પરાજિત કરીને રાષ્ટ્રિય કક્ષાએ કોંગ્રેસમાં ભૂકંપ સર્જવા માટે ભાજપે શતરંજની ચોપાટ બિછાવી દીધી છે. કોંગ્રેસ તરફથી પણ તેમના ઉમેદવારને કોઈપણ સંજોગોમાં વિજયી બનાવવા માટેની ઘેલછા જાગી છે. ૮મી,ના મંગળવારે સાંજના ૪ વાગ્યે રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન પૂંરુ થયા પછી પરિણામ જાહેર કરાશે.એહમદ પટેલ હારશે તો કોંગ્રેસ રાષ્ટ્રિય કક્ષાએ હચમચી જશે અને તેનો રાજકીય લાભ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળશે પણ જો, એહમદ પટેલ જીતી જશે તો કોંગ્રેસનું નૈતિક મનોબળ વધશે અને તેનો મોટો રાજકીય ફટકો ભાજપને પડશે.
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે થનારા કસમકસભર્યા મતદાન માટે ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચનાને સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અંતિમ સ્વરૂપ આપશે અને ધારાસભ્યો સમક્ષ અમિતભાઇ સમગ્ર રણનીતિ મુજબ રાજ્યસભા માટે કેવી રીતે મતદાન કરવું તથા કોણે કયા ઉમેદવારને પોતાનો પ્રથમ પ્રેફરન્સ આપવાથી લઇને કોના પ્રેફરન્સીયલ વોટ કોને ફળવાશે તેની આખી પ્રક્રિયા સમજાવી હતી. આ માટે સોમવારે બપોર સુધીમાં ધારાસભ્યોએ પોતાના પરિજનો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવીને શ્રીકમલમ્ ખાતે પહોંચી જવાની સૂચના મુખ્ય દંડક પંકજ દેસાઇ તરફથી દરેક ધારાસભ્યોને મોકલી અપાઇ છે.
ભાજપે ત્રણ બેઠકો માટે પોતાના ત્રણ ઉમેદવારો જાહેર કરી કોંગ્રેસ પાસેથી ત્રીજી બેઠક આંચકી લેવાનો મનસુબો જાહેર કરી દીધો છે. આ મનસુબાને પાર પાડવા ભાજપે તેના ઉમેદવારોમાં ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે તેના ૨૪ વર્ષથી રાજ્યસભામાં ચૂંટાતા દિગ્ગજ નેતા એહમદ પટેલને જ યથાવત રાખતા સમગ્ર ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ એ દિવસે કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતા ડખાથી કંટાળેલા શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડવાની જાહેરાત કરી હતી. જોકે, તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી, પરંતુ આંતરિક ડખાથી ત્રસ્ત કોંગ્રેસના કુલ છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આથી કોંગ્રેસની સભ્ય સંખ્યા ૫૭થી ઘટીને ૫૧ થઇ ગઇ છે.
છેલ્લા ૧૦ દિવસથી બેંગાલુરુના રિસોર્ટમાં રખાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અંતે સોમવારે ગુજરાત પરત ફરશે. ૧૧ ધારાસભ્યો બેંગાલુરુથી મધરાત્રિની ફ્લાઇટમાં અમદાવાદ આવવા નીકળશે અને વહેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉતરશે. જ્યારે બાકીના ૩૨ ધારાસભ્યો સોમવારે બપોરની ફ્લાઇટથી અમદાવાદ આવી જશે તેમ સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. આ તમામ ધારાસભ્યોને હાલ પુરતા આણંદ ખાતેના નિજાનંદ રિસોર્ટમાં એક સાથે જ રાખવામાં આવશે અને આઠમી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ તેઓ છૂટા પડશે. ધારાસભ્યોના આગમનના પગલે તેમના માટે પોલીસ સુરક્ષાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરાઇ હતી અને જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી.
કહેવત છે કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે હાલ આવો જ ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્યો બાબતે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી રહી નથી. તેઓ હજુ પણ ધારાસભ્યોની માહિતી ગુપ્ત રાખવા ઇચ્છે છે કેમ કે ભાજપે અગાઉ તેમના ધારાસભ્યો તોડ્યા છે અને હવે તેમની પાસે રહેલા ધારાસભ્યોના એક-એક મત અમૂલ્ય હોવાથી તેઓ તમામને સલામત રીતે કોંગ્રેસમાં જ રાખવા મથામણ કરી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી આ ધારાસભ્યોના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસના રાજ્યસભા માટેના ઉમેદવાર એહમદ પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે.
રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એહમદ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા સામ,દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના શરૂ કરાયાના આક્ષેપો થયા હતા. જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો અને કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીને ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. એહમદ પટેલને જીતવા પુરતા મતો ખૂટે નહીં તેની તકેદારી રાખવા કોંગ્રેસે તેના ૪૪ ધારાસભ્યોને ૨૮મી જુલાઇના રોજ તાબડતોડ બેંગાલુરુ ખાતે રવાના કરી દીધા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો લગભગ નજરકેદ જેવી પરિસ્થિતિમાં રહ્યા હતા. તમામ ધારાસભ્યોને મતદાન કરવા માટેની પ્રેક્ટિસ પણ કરાવાઈ હતી. જેથી મતો રદ ના થાય અને કોઇ કટોકટી સર્જાય નહીં.