ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ: ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગતાં અફરાતફરી મચી, સચિવ હસમુખ પટેલે કહ્યું- સ્ટ્રોંગ રૂમમાં પેપર સહિતની તમામ વસ્તુઓ સલામત છે
ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગવાની ઘટના બની હતી. ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘટનાને પગલે બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રોંગ રૂમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર બળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક ચેમ્બરમાં એસીમાં ધડાકો થયો હતો, જેથી આગ લાગી હતી. એને પગલે સ્ટાફ બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ પણ થઈ નથી. 2થી 3 ચેમ્બર આગની લપેટમાં આવી હતી, જોકે સ્ટ્રોંગમાં તમામ વસ્તુઓ સલામત છે. ખાતાકીય પરીક્ષા અને સ્ટેનોગ્રાફરની ઉત્તરવહીઓ સ્ટ્રોંગ રૂમમાં સલામત છે. જે ડોક્યુમેન્ટ સળગ્યા છે એમાં પણ કોઈ મહત્ત્વના સાહિત્યને નુકસાન પહોંચ્યું નથી. સ્ટ્રોગરૂમ આગની લપેટમાં આવ્યો નથી.
આ અંગે ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે ACમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગતાં રૂમનું ફર્નિચર તેમજ વીસ ટકા રેકોર્ડ પણ આગમાં બળી ગયાં હતાં. જોકે બે ટેન્કર થકી 14 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.