રોબોટે એપેક્ષ હોસ્પિટલની કેથલેબમાં દર્દીને ઓપરેટ કર્યો
આજે વિશ્વની પ્રથમ હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેશન કરવામાં આવ્યું છે. કાર્ડિયોલોજીસ્ટ તેજસ પટેલે ગાંધીનગર સ્થિત અક્ષરધામમાં બેસીને 32 કિલો મીટર દૂર અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં રહેલા દર્દીની સર્જરી કરી હતી.
આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અક્ષરધામ મંદિર ખાતે હાજર રહ્યા હતા. તેમણે દર્દી પર થયેલી સર્જરીને લાઇવ નિહાળી હતી.આ દરમિયાન ડૉ.તેજસ પટેલે સર્જરી માટે રોબોટને કમાન્ડ આપ્યા હતા અને તેમના કમાન્ડ પ્રમાણે રોબોટે એપેક્ષ હોસ્પિટલની કેથલેબમાં દર્દીને ઓપરેટ કર્યો હતો.
ડો. તેજસ પટેલ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને ટ્રાન્સરેડિયલ એકસેસ ટેકનિકના પ્રણેતા છે અને તેમણે પોતાની ૨૫ વર્ષોની કારકિર્દી દરમિયાન આશરે 5000થી પણ વધારે ફીઝીશિયનોને તાલીમ આપી છે. ડો. તેજસ પટેલને ડો. બીસી રોય એવોર્ડ અને ડો. કે.એમ શરણ કાર્ડીઓલોજી એક્સેલન્સ એવાર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ ટ્રાન્સરેડિઅલવર્લ્ડ.કોમ ના સંપાદક પણ છે.