મુળ ભાણવડનાં ૨૦૦૬ની બેંચનાં આઈએએસ અધિકારી શંકરદાન લાંગાનું રાજકોટ સાથે ગાઢ કનેકશન, અહિંની કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાંથી તેઓએ મેળવ્યું હતું શિક્ષણ
ગાંધીનગર જિલ્લા કલેકટર શંકરદાન કે.લાંગાનો આવતીકાલે જન્મદિવસ છે. વર્ષ ૨૦૦૬ની બેંચનાં આઈએેએસ અધિકારી શંકરદાન લાંગા આવતીકાલે પોતાનાં યશસ્વી જીવનનાં ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં મંગલપ્રવેશ કરશે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ તાલુકાનાં શિવા ગામના વતની એસ.કે.લાંગાએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની શાળામાં મેળવ્યું હતું. માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુલ-જુનાગઢ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્વામી વી.વી. મંદિર-જુનાગઢમાંથી મેળવ્યું હતું. બાદમાં ઉચ્ચ શિક્ષણ રાજકોટની કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાંથી મેળવ્યું હતું ત્યારબાદ તેઓ સરકારી નોકરીમાં જોડાયા હતા. મહેસાણા, જુનાગઢ અને પાટણમાં તેઓએ નિવાસી નાયબ કલેકટર તરીકે, સરદાર પટેલ વહિવટી સેવા સંસ્થાન (સ્પીપા) અમદાવાદમાં સંયુકત નિયામક તરીકે, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીક, ખેડામાં અધિક નિવાસી કલેકટર તરીકે અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. ત્યારપછી તેઓને પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે નિમવામાં આવ્યા હતા જયાં તેઓએ ટુરીઝમને તેમજ પંચમહોત્સવને વેગ આપ્યો હતો. પંચમહાલનાં ટુરીઝમને આગળ લઈ આવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે.
એસ.કે.લાંગા સરળ સૌમ્ય અને મળતાવડા સ્વભાવનાં હોવાનાં કારણે ખુબ જ લોકચાહના ધરાવે છે. તેઓએ પ્રજાલક્ષી અભિગમ અને ઝડપી કામગીરીથી પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. હાલ તેઓ ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકે પોતાની જવાબદારીઓનું વહન કરી રહ્યા છે. આવતીકાલે તેઓનો જન્મદિવસ છે ત્યારે અબતક પરિવાર તેઓને હંમેશા પ્રગતિનાં શીખરો સર કરતા રહે અને નિરામય જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવે છે. તેમનાં મો.નં.૯૯૭૮૪ ૦૬૨૦૯ છે.