- 12 જેટલા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
- આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન
ગાંધીનગર : રાજ્યભરમાં સાયબર ફ્રોડ કરનારાઓ બેફામ બન્યા છે. પ્રતિદિન ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરના નિવૃત્ત બેંક કર્મચારીને સ્ટોક માર્કેટમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા અંદાજિત 61 લાખ રૂપિયા જમા કરાવડાવીને છેતરપિંડી કરવામાં આવી છે. જે મામલે ભોગ બનનાર નિવૃત કર્મચારી દ્વારા ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી માહિતી મુજબ નિવૃત કર્મચારીને અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોકાણ કરવાના નામે જુદા જુદા દિવસે 12 જેટલા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જે નંબર પર પૈસા ટ્રાન્સફર કર્યા તે નંબર વોટ્સએપ પર દેખાતા બંધ થઈ જતાં ફરિયાદીને શંકા ગઈ હતી. જે બાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે હાલ આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ લોકોને સાવચેત રહેવા માટે સંદેશ પાઠવ્યો છે.