- ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદઘાટન કરતા રાજયના મુખ્ય સચિવ રાજકુમાર
- ફીડબેક સેન્ટર ખાતે બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ
- ફીડબેક સેન્ટર પર મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે
Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસીત ભારત – 2047ના સ્વપ્નને સાકાર કરવા સતત કાર્યરત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ ગાંધીનગરના સચિવાલય ખાતે આવેલા મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું રાજયના મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 23 વર્ષના ભાગરૂપે મહેસૂલ વિભાગ દ્વારા iORA ના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ફીડબેક સેન્ટર ખાતે નિયુકત મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જે અરજીનો નિકાલ થયેલ હોય તેવી બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે. મહેસૂલ વિભાગના આ iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
તેમજ વધુમાં અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે iORA પોર્ટલ મારફતે મળેલ અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરીકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે. આ ફિડબેક સેન્ટર ખાતે મળેલ પ્રતિભાવો થકી સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરિકો સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવશે. મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલ નિયમિત પ્રતિસાદથી છેવાડાના નાગરિકની વ્યથાને સમજીને તેના નિરાકરણરુપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકારના ઘડતર માટે આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, જમીન સુધારણા કમિશનર પી. સ્વરૂપ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.