કોરોનાના કેસ વધતા સરકારે અનેક નિર્ણયો લીધા પણ ચૂંટણી અંગે હજુ મૌન યથાવત

રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે વિવિધ એસોસિએશનોએ લોકડાઉનની તરફેણ કરી છે. હવે હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.

કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ત્યારે હાઈકોર્ટના અવલોકનને પગલે હવે રાજ્યમાં મોરવા હડફ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી અને ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી પણ રદ થાય તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસો વધતાં સરકારે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દીધું છે તેમજ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે. એ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ પણ લાદી દીધો છે. સંક્રમણને રોકવા માટે સરકારે શનિવાર અને રવિવારે મોલ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરી દીધાં છે. કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓ પણ ધંધારોજગારને લઈને પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકારે ચૂંટણી યોજવા મુદ્દે મૌન સેવ્યું છે. આગામી 17 એપ્રિલના રોજ મોરવાહડફની પેટાચૂંટણી તથા 18 એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલ બંને ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

રેલીઓ અને સભામાં કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અનેક નેતાઓ માસ્ક વગર સભામાં જોવા મળ્યા હતા. આ મુદ્દે લોકોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે જો સરકાર, કોરોનાવાયરસને કારણે પરીક્ષાઓની તારીખ બદલી શકે છે

તો ચૂંટણીની તારીખ કેમ નહિ?આ પરિસ્થિતિમાં ગાંધીનગરના નાગરિકોએ ચૂંટણીની તારીખો બદલવા માટે અપીલ પણ કરી હતી. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ગાંધીનગર મનપાની ચુંટણીનો વિરોધ કર્યો હતો છતાંય સરકારના પેટનું પાણી હાલ્યું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.