નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભવન ખાતે ૧પ૦મી ગાંધી જયંતિ ઉજવણી સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠક મળી
૨૦૧૯માં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી સમિતિની પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સાંપ્રત પરિસ્થિતિનું નિરાકરણ ગાંધીજીના વિચારોમાં જ છે. અહિંસા, સત્યાગ્રહ, સ્વદેશીપણું, ગ્રામોત્થાન અને સ્વચ્છતાના રાષ્ટ્રપિતાના આચાર વિચારને ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવણી દરમિયાન સમાજ અને ભાવિ પેઢીમાં વ્યાપક બનાવવા ગુજરાત અગ્રેસર રહેશે,તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
૨૦૧૯માં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીના આયોજન અંગેની સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આ સમિતિના સભ્ય છે. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાત માટે એ ગૌરવરૂપ છે કે, ગાંધી એટલે ગુજરાત અને ગુજરાત એટલે ગાંધી એવી આગવી ઓળખ પ્રસ્થાપિત થઇ છે. ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીના આયોજન અંગે ઉજવણી સમિતિના સભ્યો વચ્ચે વિચારોનું આદાન પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com