૧૫૦મી ગાંધી જન્મજયંતી અવસરે
૧૯૩૭માં ગાંધીજીના જન્મદિને ઝવેરચંદ મેઘાણીએ દુહો રચ્યો હતો, ખમા! ખમા! લખવાર…
મહાત્મા ગાંધી પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું ગૌરવભર્યું બિરૂદ પામેલા ઝવેરચંદ મેઘાણીએ નોંઘ્યું છે : ‘ગાંધીજી વિશેની મારી કૃતિઓ માટે તો આટલું કથી શકું તેમ છું કે હું એમનો અનુયાયી નથી, એના રાજકારણવાદ અથવા અધ્યાત્મવાદનો અભ્યાસી વા ભક્ત નથી. રામાનુરક્ત તુલસીદાસના કે અમારા સોરઠી સંત વેલાના ભક્ત રામ બાવાના ઉત્કટ શરણાગતભાવ અને મુગ્ધતાથી કાવ્યમાં ગુરુ-ઉપાસના કરવાનું મારા જેવા માટે શક્ય નથી. મેં તો પ્રત્યેક પ્રસંગે તેમનાં વલણો, મંથનો ને આત્મવેદનાઓ કેવાંક હશે તેનું કેવળ પરલક્ષી અદાથી, છતાં બેશક મારી ધગશ દ્વારા, નિરૂપણ કર્યું છે.’
૧૯૨૫ના એપ્રિલ માસમાં મહાત્મા ગાંધી રાણપુર આવેલા ત્યારે ઝવેરચંદ મેઘાણીની ગાંધીજી સાથેની સહુપ્રથમ મુલાકાત અહિ થઈ હતી. રાણપુર સુધરાઈએ ગાંધીજીને ‘માનપત્ર અર્પણ કરેલું. ‘સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ સ્થાપિત સૌરાષ્ટ્ર કાર્યાલયમાં ગાંધીજીનો ઉતારો હતો. ગાંધીજીએ ત્યારે કહ્યું હતું : દુનિયા સામે ઊભા રહીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે તે જ કરવું … ઝવેરચંદ મેઘાણીને આ ગુરુમંત્ર આજીવન યાદ રહ્યો. ૧૯૨૭માં પ્રગટ થયેલ પુસ્તિકા ‘હંગેરીનો તારણહાર ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને સાદર અર્પણ કરી હતી.
સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો દાંડિયાત્રા અવસરે પ્રસિધ્ધ થયો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજ્ય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુઘોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે.
૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધી ખૂબ વ્યથિત અને ચિંતિત હતા. તેઓ જાણતા હતા કે દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહિ સ્વીકારે. ઊલટાના અપમાનના કડવા ઘૂંટ પીવા પડશે. ગાંધીજીની આ મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરીને તેમને સંબોધતું ‘છેલ્લો કટોરો કાવ્ય ઝવેરચંદ મેઘાણીએ ૨૭ ઑગસ્ટે રાણપુરમાં રચ્યું અને ઊપડતી સ્ટીમરે તે ગાંધીજીને પહોંચાડ્યું. વાંચીને મહાત્મા-મુખેથી ઉદ્ગાર સરી પડ્યો: મારી હાલની સ્થિતિનું આમાં સચોટ વર્ણન છે. અને ‘રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરુદ ગાંધીજી પાસેથી પામ્યા. ગાંધીજી હતાશ હૈયે ગોળમેજી પરિષદમાંથી પાછા વળતા હતા તે અરસામાં ‘માતા! તારો બેટડો આવે: આશાહીન એકલો આવે કાવ્ય પણ રચ્યું હતું.
સો સો રે સલામું મારાં ભાંડુડાંને કેજો રે, ઝાઝેરા જુહાર જગને દેજો હો..જી ! મળાયું ન તેને સહુને માફામાફ કેજો, ને રુદિયામાં રાખી અમને રેજો હો..જી !
૧૯૩૩માં બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરોડા જેલમાં અનશન વ્રત લીધેલું ત્યારે ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્ય ગાંધીજીને મોકલ્યું હતું.
૧૯૪૪માં મુંબઈમાં જુહૂ ખાતે ગાંધીજીનો મુકામ હતો ત્યારે, એમની પૂર્વ-અનુમતિ મેળવી, ઝવેરચંદ મેઘાણી પોતાના નવપરિણિત પુત્ર મહેન્દ્રભાઈ અને પુત્રવધુ નિર્મળાબેનને એમના આશીર્વાદ અપાવવા ત્યાં લઈ ગયા. ગાંધીજીનો તે મૌનનો દિવસ હોવાથી કાગળ પર લખીને વાત કરવાની હતી. ગીતો સાંભળવાની ઇચ્છા ગાંધીજીએ દર્શાવી તેના જવાબમાં, સ્વાભાવિક, દેશભક્તિનાં ગીતો ઝવેરચંદ મેઘાણીએ એમને સંભળાવ્યાં. પછી સહેજે પૂછ્યું : બીજું કશું સાંભળવાની આપને ઇચ્છા ખરી? લગ્નગીતો સંભળાવો. લાગલો જ ઉત્તર મળ્યો! ગાંધીએ કાગળની ચબરખી પર ટપકાવ્યું હતું : મને લાગે છે કે આપણે રાણપુરમાં મળ્યા હતા ત્યાર બાદ નથી મળ્યા. આજ પેટ ભરીને તમારાં ગીત સાંભળ્યાં એથી રાજી થયો. મારું પેટ તો ઝટ ખાલી થઈ જાય છે એટલે મારું પેટ ભરાઈ જવાનો ડર ન રાખશો.