ભારત દેશ અને તેમાં વસી રહેલા અનેક સંપ્રદાયોના લોકોને જાણવા માટ રાષ્ટ્રપિતા ગાંધીજી આખા દેશના ખૂણે ખૂણામાં ફરી વળેલા અ ત્યારના સંજોગોમાં ભારતીય પ્રજાને મહાત્મા ગાંધીના વૈશ્ર્વિક ભાતૃભાવની વિચારધારાના પ્રચારની વધુમાં વધુ જરૂર છે.

સમાજશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે માનવીએ તેની આસપાસ બ્રહ્માંડમાં જે કાંઈ જોયું અનુભવ્યું અને તેમાંથી સમજવાનો પ્રયત્ન કર્યો તેમાંથી ધર્મની ઉત્પતી થઈ. માનવી સૃષ્ટિની અદ્ભૂત નવરચના જોઈ તેનાથી પ્રભાવિત થયો અને તે અંગેનાં મનન મંથન અને ચિંતનથી ધર્મનો જન્મ થયો.

  • મહાત્મા ગાંધીની ધર્મની વ્યાખ્યા કાંઈક આ પ્રકારે છે.

સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે ઈશ્ર્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્ર્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે. ઈશ્ર્વર અંગે ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. તેનું કારણ એ છેકે, તેનો અવિષ્કાર અને તેમનું પ્રાગટય અનેકવિધ અને અત્યંત વિશાળ છે. જે વિચારક ઈશ્ર્વરના જે આવિષ્કારને જુએ છે તે રીતે તે ઈશ્ર્વરનું વર્ણન કરે છે. કોઈ તેને નિરાકાર કહે છે, કોઈ સાકાર કહે છે. ઈશ્ર્વર અંગે કોઈ આ કહે છે કે તે કહે છે. તેનું કારણ એ છે કે ઈશ્ર્વરનું પ્રાગટય અને તેમનો આવિષ્કાર અમાપ રીતનો વિશાળ છે. મારી નમ્ર સમજ પ્રમાણે ઈશ્ર્વર એટલે સત્ય, મારે મન સત્ય એજ ઈશ્ર્વર છે. ઈશ્ર્વર ત્યા છે. તેના કરતાં સત્ય એ જ ઈશ્ર્વર છે તેમ હું માનું છું.

રામરાજયનો ગાંધીજીનો વિચાર પણ ઉંડાણ ભરેલો અને અનોખો છે. સત્યના પ્રયોગોમાં રામરાજય વિષે તેઓ લખે છે કે, રામરાજય એટલે કોઈ એક ધર્મનુંકોઈ એક રાજાનું રાજય નહી પણ સત્યનું રાજય, નીતિનું રાજય જીવનનાં મૂલ્યોનું રાજય, ન્યાયનું રાજય, ગાંધીજી પોતાના આ પુસ્તકમાં સ્પષ્ટ લખે છે. રામરાજ એટલે હિન્દુ રાજ એવું હું માનતો નથી. મારો કહેવાનો એ અર્થ પણ નથી, હું જયારે રામ રાજય શબ્દનો પ્રયોગ કરૂ છું ત્યારે તેનો અર્થ સત્ય ન્યાય અને જીવનનાં પાયાના મૂલ્યો પર આધારિત રાજય એવો થાય છે.

આ પ્રકારે દેશની એકતા ઝંખતી વિરલ વિભૂતિ ભારતની બે મુખ્ય વસતિ હિન્દુ અને મુસ્લિમની એકતા માટે પણ કાર્યશીલ હોવાનીજ. આથી તેમની પ્રાર્થનાસભામાં ગીતા અને કુરાનશરીફ બંનેનું પઠન થતું અને રામ રહીમ બંનેની ધૂન થતી હતી.

હિન્દુ ધર્મ વિશાળ મહાસાગર જેવો છે. પરંતુ તેનું મૂળ હાર્દ સત્ય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વારંવાર કહેતા કે, ‘મારા મત મુજબ હિન્દુત્વ એક સંકુચિત સંપ્રદાય નથી. પરંતુ સમય સાથે વિશાળ મહાસાગર બનેલી ઉત્ક્રાંતિની એક જીવંત પ્રક્રિયા છે. મારી હિન્દુત્વની એક જીવંત પ્રક્રિયા છે. મારી હિન્દુત્વની સમજમાં ઈસુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, ગૂરૂ નાનક અને જરથુસ્ત્રના ઉદાત વિચારોનો પણ સમાવેશ થાય છે. બીજી અવતારી વિભૂતિઓની યાદી આપતો નથી. પણ ધર્મ એટલે સત્ય અને હિન્દુને જો આપણે ધર્મ કહીએ તો સત્ય તે જ તેનું હાર્દ છે. અને સતમાં જરથુસ્ત્ર, મહંમદ પયગંબર, ઈસુ, નાનક સર્વ સમાઈ જાય છે.

આજે ભારતની પ્રજાએ સર્વે નબળી કલ્પનાઓ તથા સંકુચિતતાનો ત્યાગ કરવો જરૂરી છે. ભારતની સંસ્કૃતિ, સભ્યતા, રાજકારણ અને રાષ્ટ્રીયતામાં પેદા થયેલી ગૂંચવણ ઉકેલવા માટે સાચો અભિગમ કેળવવો જોઈએ. ગાંધીજી કહેતા કે, સાચું હિન્દુત્વ મુસલમાનોને જીતી જ લેશે પ્રેમ અને કરૂણા દ્વારા.

હાલના સંજોગોમાં આ વિચારધારા ફેલાવવાની તાતી જરૂર પેદા થઈ છે. બાળકના વિકાસના પ્રથમ પગથીયેથી ગાંધીજીની આ વિચારસરણીનો પ્રચાર કરવાની ખાસ જરૂરત છે. જેથી ભારતના દરેક બાળકમાં ધર્મ અંગેની સાચી સમજણ પેદા થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.