લોધીકાના ખાંભા પાસે હત્યા કરી ફેંકી દેવાયેલી યુવતીની ઓળખ મળી:રાજકોટથી જૂનાગઢ જવા નીકળ્યા બાદ અજાણ્યા શખ્સોએ ગળે ટૂંપો દઈ ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું
લોધિકાના ખાંભા ગામની સીમમાં રીબડા રોડ પર અમીતભાઇ જેપાલની વાડી પાસેથી એક અજાણી યુવતિની પોતાની જ ચોરણી વડે ગળેટુંપો આપી હત્યા કરાયેલી અર્ધનગ્ન લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી બનાવના પગલે જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ એલસીબી અને લોધીકા પોલીસને લોધિકા પોલીસ મથકના સ્ટાફને મૃતકની ઓળખ મેળવવા સોંપેલી તપાસ દરમિયાન મૃતક મુળ જૂનાગઢની વતની હોવાનું અને છેલ્લા દોઢેક માસથી રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે લોકડાઉન હોવા છતાં રાજકોટથી જૂનાગઢ જવા નીકળ્યા બાદ અજાણ્યા શખ્સોએ ખવાસ યુવતીને ગળેટૂંપો દઈ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. મૃતક યુવતી પર બળાત્કાર ગુજાર્યાની શંકા સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી માહીતી મુજબ ખાંભા ગામની સીમમાં લોધિકા રીબડા રોડ પર અમીતભાઇ કનકભાઇ જેપાલની મોટા બંધ વાડી ખેતરમાં કોઇ અજાણી યુવતિની અર્ધલગ્ન લાશ પડી હોવાની જાણ લોધિકા પોલીસને કરવામાં આવતા પીએસઆઇ એચ.એમ. ધાંધલ રાઇટર ખોડુભા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે મૃતકે યુવતિને કોઇ અજાણ્યા શખ્સે તેની ચોરણી વડે ગળેટુપો આપી હત્યા કરી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે યુવતિની લાશને પેનલ પીએમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડી હતી પોલીસને શંકા હતી કે અજાણી યુવતિ સાથે કોઇ અજાણ્યા શખ્સે દુષ્કર્મ કરવાના ઇરાદે કે તેના પર દુષ્કર્મ ગુજારી તેને ગળેટુપો આપી હત્યા કરી નાસી ગયો હોવાની શંકા વ્યકત કરી હતી.પોલીસે મૃતક યુવતિ આ સગા સંબંધીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મૃતક રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા દોઢેક માસથી રહેતી અને ઘરકામ કરતી કિરણબેન કિશોરભાઈ પરમાર નામની ખવાસ યુવતી હોવાનું અને તેણી ગઈકાલે રાજકોટથી જૂનાગઢ જવા નીકળ્યા બાદ ખાંભા પાસેથી લાશ મળી આવ્યાનું એલસીબી પીઆઈ એમ.એન.રાણાની તપાસમાં બહાર આવ્યું છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં કિરણબેન પરમાર કોની સાથે જૂનાગઢ જવા નીકળી હતી અને ખાંભા કઈ રીતે પહોંચી તે અંગેની અંકોડા મેળવવા એલસીબી સ્ટાફે સઘન તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતી જુનાગઢનાં ટીંબાવાડી બાયપાસ રોડ પર આવેલ ઉદયનગર સોસાયટીમાં રહેતી હોવાનું અને હાલ તેનાં ભાઈ જયંતભાઈ કિશોરભાઈ પરમાર રાજકોટ ખાતે તેની લાશ સંભાળવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાઈનાં જણાવ્યા પ્રમાણે તેની બહેન કિરણ સાથે તેઓને છેલ્લા પાંચ વર્ષથી કોઈ પારીવારીક સંબંધ ન હોય અને તેની બહેન કિરણ અપરિણીત હોય તથા આયાબહેન તરીકે રસોઈ બનાવવાનું કામ કરતી હોય છેલ્લા દોઢેક મહિનાથી તે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં બાવાજી દંપતિને ત્યાં રસોઈ બનાવવાનું કામ કરી ત્યાં જ રહેતી હતી. તેની હત્યા થઈ હોવાનું સોશિયલ મીડિયાનાં માધ્યમથી જાણવા મળતા તેઓ પ્રથમ જુનાગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાદ રાજકોટ રૂરલ પોલીસનો સંપર્ક કરતા મૃતક કિરણ પરમારની ઓળખ મળી હતી.