રૂ.11 લાખ રોકડા, બે બંદૂક અને લૂંટના ઉપયોગમાં લેવાયેલા બે બાઈકને  ભાંગી નાખેલા કબ્જે કરાયા

પૂર્2 કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં ધોળા દીવસે ભરબપોરે ગત સપ્તાહે ચાર જેટલા હેલ્મેટધારી શખ્સોએ બંદુક-રીવોલ્વર સાથે ત્રાટકી  આંગડીયા પેઢીમાં અત્યાર સુધીની સૌથી મોટી 1 કરોડની કેસની લુંટ ચલાવી હતી. આ ઘટનાના પગલે ઔદ્યોગીક સંકુલ તથા પોલીસ અને પ્રશાસનમાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી. લુંટની ઘટનાના પગલે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ખુદ સ્થળ નિરિક્ષણ માટે દોડી આવ્યા હતા અને નાકાબંધી કરી અને સમગ્ર પૂર્વકચ્છ પોલીસને આ લુંટના ભેદ ઉકેલવાની દીશામાં કામે લગાડી દેવાઈ હતી. જે અંગે પૂર્વ કચ્છ એસપી  મહેન્દ્ર બગડીયાએ પણ અલગ અલગ ટીમો બનાવીને લુંટારૂઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. કયાંક શંકાસ્પદનો પુછતાછ તો કયાંક ટેકનીકલ સર્વેલન્સ સહિતની મદદ લેવાઈ રહી હતી.

દરમ્યાન જ આ મામલે અંતરંગ વર્તુળોમાથી મળતી માહીતી અનુસાર પૂર્વ કચ્છ પોલીસતંત્રને આ ગંભીર પ્રકારની અને મસમોટી એક કરોડની લુંટનો ઘટનાનો ભેદ ઉકેલવાની દીશામાં સફળતા પ્રાપ્ત થવા પામી ચૂકી છે. આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર પૂર્વ કચ્છ પોલીસે આ લુંટ કેસથી જ સીધા અથવા તો પરોક્ષ રીતે સંકળાયેલા હનીફ નામના શખ્સ સહિત કુલ્લ ત્રણ જેટલા આરોપીને ઉઠાવી અને તેની સઘન પુછતાછ ચાલુ કરી દીધી હોવાનુ મનાય છે. ત્રણ પૈકીનો એક હનીફ નામનો શખ્સ મીઠીરોહર ગામનો આ શખ્સ રહેવાસી હોવાનુ મનાય છે. મનાઈ રહ્યુ છે કે, આ શખ્સ પાસેથી બે કટીંગ કરાયેલી બાઈક તથા બે બંદુક પણ કબ્જે કરવામા આવી છે. અને તેની પાસેથી પાંચ લાખની રકમ પણ રીકવર કરી લેવામા આવી હોવાનુ ચર્ચાય છે.

આ ઉપરાંત પોલીસે એક શખ્સને પકડયો છે તે કોઈ લાકડાના બેનસામાં કામ કરનાર હોવાનુ મનાય છે અને તે શખ્સ દ્વારા લુંટને અંજામ આપતા પહેલા રેકી કરવા સહિતની ભૂમિકા ભજવી હતી અને તેના પેટે જ આ શખ્સને એક લાખ રૂપીયા લુંટમાથી અપાયા હતા જે પણ પોલીસે સંભવત રીકવર કરી લીધા હોવાનુ ચર્ચાય છે. તેની સાથે જ ત્રીજો જે શખ્સ ઝડપાયો છે તે મુળ જામનગરનો હોવાનુ મનાય છે. આ શખ્સ દ્વારા લુંટની ઘટનાને અંજામ આપી અને બાઈક હંકારી જેવાનુ કામ કર્યુ હતુ અને તેને પાંચ લાખ રૂપીયા આ લુંટમાથી મળવાના હોવાની વાત સપાટી પર આવી રહી છે અને તેથી જ સંભવત આ ત્રણેય શખ્સોની પાસેથી 11 લાખ જેટલી કેસની રકમ રીવકર કરી દેવામા આવી છે.

આ શખ્સોની પ્રાથમિક પુછતાછમાં એક વાત એ પણ સામે આવી રહી છે કે, આ ત્રણ ઉપરાંત અન્ય બે શખ્સો મુળ યુપીના રહેવાસી સકંળાયેલા છે અને તેઓ બન્નેએ 30 લાખ જેટલી કેસની રકમ સેટીપલંગ(બેડ)માં નાખી અને ટ્રાન્સપોર્ટ મારફતે બેંગ્લોર રવાના કરી દીધી હતી. પોીલસની ટીમ દ્વારા આ રકમ પણ સંભવત રીતે કબ્જે કરી લેવામા આવી હોવાનુ કહેવાય છે અને યુપીના બે શખ્સોને દબોચવા સહિતની આગળની કાયવાહી હાથ ધરવમા આવી રહી હોવાનુ મનાય છે.

જો કે, તપાસમાં પોલીસને સફળતા પ્રાપ્ત થવા પામી રહી છે અને તપાસ ખુબ જ ગંભીર હોવાથી તહોમતદારો આગાપાછા ન થઈ જાય તે માટે માહીતીઓ લીક ન થાય તેની પણ પુરેપુરી તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે અને તબક્કાવાર ગુન્હેગારો સુધી પગેરુ દબાવવામાં આવી રહ્યુ હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધીમાં ત્રણ શખ્સો અને 11 લાખની કેસ તથા બે કટીંગ કરેલી બાઈક અને બે ગન મળ્યા સહિતની વાતને સત્તાવાર સમર્થન મળવા પામ્યુ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.