લૂંટારા અગાઉથી જ રેકી કરી આંગડીયા કર્મચારીના ઘર પાસે આવી ગયાની શંકા: બંદુકથી કરેલા ફાયરિંગ કરવા છતાં આંગડીયા કર્મચારીએ રોકડ ભરેલો થેલો ન છોડતા એક શખ્સે છરીથી થેલાનો પટ્ટો કાપી નાખ્યો
લૂંટના પગલે જિલ્લા પોલીસ વડાએ નાકાબંધી કરાવી: એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી શરુ કર્યો તપાસનો ધમધમાટ
પૂર્વ કચ્છના ગાંધીધામના પોસ વિસ્તાર ગણાતા અપનાગરમાં સમી સાંજે બે શખ્સોએ આંગડીયા પેઢીના કર્મચારીના મકાનમાં ઘુસી બંદુકથી ફાયરિંગ કરી રુા.40 લાખની રોકડ સાથેના થેલાની દિલધડક લૂંટ ચલાવતી ભાગી જતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા હાઇ-વે પર નાકાબંધી કરાવી છે. એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સ્ટાફે ઘટના સ્થળ અને આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના શિહોરી નજીક આવેલા બરલુંટ ગામના વતની અને ગાંધીધામના અપનાનગરમાં રહેતા ઉત્તમભાઇ રતિલાલભાઇ પ્રજાપતિ ગત તા.28મીએ મોડી સાંજે ગાંધી માકેર્ટ નજીક આનવેલા પૂર્ણિમાં આંગડીયા પેઢીએથી એક્ટિવા પર પોતાના ઘરે પહોચ્યા ત્યારે અગાઉથી જ આંગડીયા કર્મચારી ઉત્તમભાઇ પ્રજાપતિના મકાન પાસે ઉભેલા બે શખ્સોએ ઝપાઝપી કરી બંદુકથી એક રાઉન્ડ પગમાં ફાયરિંગ કરી રુા.40 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી બંને લૂંટારા ભાગી ગયાની ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કલેક્ટર રોડ ચાર રસ્તા નજીક કેરેલીયન શાળાના સામેના ભાગે આવેલા અપનાનગર મકાન નં.150-બીમાં રહેતા અને સંકુલના ગાંધીમાર્કેટમાં આવેલી પૂર્ણિમા આંગડિયા પેઢીના કર્મચારી ઉત્તમભાઈ પ્રજાપતિ (ઉ.વ.37) પોતાનું રોજિંદું કાર્ય સંપન્ન કરી ગત રાત્રિના 8:15 વાગ્યાના અરસામાં નાણાં ભરેલા થેલા સાથે એક્ટિવા ઉપર બેસીને પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ઘરમાં વાહન ઊભું રાખતાંની સાથે પાછળથી બે અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા. ઉત્તમભાઈ કઈ સમજે તે પહેલા આ શખ્સોએ ગોળીબાર કરી રોકડ ભરેલો થેલો ઝૂંટવી પલાયન થઈ ગયા હતા. જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને પગના ભાગે બંદૂકની ગોળી વાગતાં તેને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે આદીપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
અહીં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. ફાયરિંગ સાથે લૂંટની ટોક ઓફ ધી ટાઉન બનેલી આ ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પી.આઈ. અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સો બનાવ સ્થળથી થોડે દૂર વાહન ઊભું રાખીને પગે ચાલીને આંગડિયા પેઢીના કર્મચારીના ઘરમાં પ્રવેશ્યા હતા. હુમલાખોરોએ આંગડિયા પેઢીમાં કામ કરતા ઉત્તમભાઈ પ્રજાપતિના પગમાં ગોળી મારી રોકડથી ભરેલો થેલો ઝૂંટવી નાસી ગયા હતા.
લૂંટારુઓ રોકડા રૂ.40 લાખ ભરેલો થેલો લઈને નાસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લૂંટાયેલા થેલામાં રોકડા ઉપરાંત મોબાઈલ અને અન્ય કાગળો હોવાનું સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત ઉત્તમ એ જણાવ્યું હતું. ધમધમતા વિસ્તારમાં ફાયરિંગના અવાજની સાથે આજુબાજુમાં રહેતા નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા.લૂંટારુઓ આ બનાવને અંજામ આપ્યા બાદ બંદૂક ફેરવતાં-ફેરવતાં પગે ચાલીને દ્વિચક્રીય વાહન સુધી પહોંચ્યા હતા. બાદ તે ભાગ્યા હોવાનો સ્થાનિકે ગણગણાટ સંભાળાયો હતો. અબલત્ત આ વાતને સત્તાવાર રીતે સમર્થન મળ્યું ન હતું. માતબર રકમના લૂંટના બનાવને લઈને પૂર્વ કચ્છ એલ.સી.બી સહિતની પોલીસની ટીમે ઘટનાસ્થળે ધસી જઈને ગુનાનો ભેદ ઉકેલવા માટે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ, નાકાબંધી સહિતની દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે.