બેરોજગાર યુવાનને ફસાવી નાણા પડાવતી ગેંગે ચાર ગુના આચર્યાની કબુલાત: એક શખ્સ નાશી છૂટયો: 8 લાખની રોકડ કબ્જે
કોરોનાકાળમાં બેરોજગારી બેફામ વધી રહી છે.ત્યારે બેરોજગાર યુવાનોને નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપીયા ખંખેરી લેતી ગેંગના બે શખ્સોની ગાંધીધામ પોલીસે ધરપકડ કરી 8 લાખની રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા રાજયના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગાંધીધામ રહેતા રૂષીરાજ નવનીતભાઈ રાવલ નામના યુવાનને વિધુત સહાયક એન્જીનીયરીંગની પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી જે પેટે 20 લાખની માગણી કરી 10 લાખ એડવાન્સમાં પડાવી લીધા હતા.
બાદમાં ફરિયાદી યુવાનને પરીક્ષામાં પાસ નહી કરાવી કે સરકારી નોકરીનો કોલ લેટર પણ અપાવ્યો નહોતો ફરિયાદી યુવાને તપાસ કરતા પોતે છેતરાયો હોવાની જાણ થતા અંતે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચોકકસ બાતમીનાં આધારે અમદાવાદ બહેરામપૂરામાં રહેતા રમેશ સેધાલાલ પરમાર ઉ.56 અને મહેસાણા વિસનગર તાલુકાના બળદેવપૂરામાં રહેતા રાજેશ ચંદુજી ઠાકોર ઉ.36ની ધરપકડ કરી બંને પાસેથી ચીટીંગ દ્વારા મેળવેલ રૂ.8 લાખની રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં પકડાયેલ બંને આરોપી અને નાસતા ફરતા ભરત ત્રિવેદીએ ટોળકી બનાવી બેરોજગાર યુવાનોને નોકરી અપાવી દેવાના બહાને ફસાવી નાણાં ખંખેરી લેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ચીટર ગેંગ દ્વારા પોતાની મોટી ઓળખાણ હોવાની વાતો કરી બેરોજગાર યુવાનને ફસાવતા હતા.
આ ચીટર ગેંગ દ્વારા મહેસાણાના ઉંઝા તાલુકાના વિશોળ ગામે રહેતા રાજેન્દ્ર શંકરલાલ પટેલના ભાણેજ જમાઈને શિક્ષણ અધિકારી બનાવી આપવાનું જણાવી 30 લાખની માંગણી 5 લાખ પડાવી લઈ ભરતી કરાવવાના ખોટા કોલ લેટર આપ્યા હતા.જયારે પાટડી તાલુકાના જીંજરા ગામે રહેતા પચાણભાઈ માંડવાભાઈજાદવના ભાણેજ અને તેમના કુટુંબના ચાર બેકાર યુવાનોને બનાશ ડેરીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી વ્યકિત દીઠ બે લાખ લેખે 8 લાખ પડાવી બોગસ કોલ લેટર આપી છેતરપીંડી કરી હતી.
ત્યારબાદ અમદાવાદ રહેતા ધીરેન્દ્રકુમાર બીપીન ચંદ્ર ત્રિવેદીના પુત્ર પાર્થકુમારને અમદાવાદ મેટ્રોમાં જુનીયર આર્ટીસ્ટ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી પાંચ લાખ ખંખેરી લીધાની કબુલાત આપી હતી.આ કામગીરી ગાંધીધામ એ.ડીવીઝન પી.આઈ. એમ.એમ.જાડેજા પી.એસ.આઈ. એન.વી. રહેવર સહિતના સ્ટાફે કરી બંને ચીટરોને રીમાન્ડ પર લેવાની તેમજ નાસતા ફરતા સાથીદાર ભરત ત્રિવેદીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.