ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના ત્રણ મહિલા સભ્યને છરી બતાવી રોકડ સાથેની બેગ લુંટી ચાર કારમાં ભાગી ગયા
ગાંધીધામના મધ્યે આવેલા ભરચક એવા 400 ક્વાટર વિસ્તારમાં થાર કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસીને વૃદ્રાને છરી દેખાડી ઉભી કરી,પલંગને ખોલીને તેમા રાખેલા અંદાજે 1.20 કરોડ રોકડ ભરેલા બે બેગ લુંટીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ભરબપોરે અને ભરચક વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી આ ઘટનાના ક્રમથી પોલીસ પણ ચકરાવે ચડી છે, તો કોઇ જાણભેદુની કરતુત હોવાની શક્યતા પણ સુત્રો સેવી રહ્યા છે. જોકે, મોડી રાતે પોલીસ તપાસના દોર વચ્ચે ફરિયાદ નોંધી છે. લુંટારાઓએ સીબીઆઇ અધિકારીના સ્વાંગમાં ચેકીંગના બહાને આવી લુંટ ચલાવી ભાગી ગયા છે.
મંગળવારના સાંજ સુધીમાં સમગ્ર ગાંધીધામ માટે ચકચાર મચાવનાર લુંટની ઘટનામાં મોડી રાત સુધીમાં બહાર આવતી વિગતો અનુસાર લોજીસ્ટીક્સ, ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મોહન ડી. મુલચંદાણીએ શહેરના 400 ક્વાટરમાં રહે છે, તેમના ભાઈના રુપીયા કેટલાક કારણોસર તેમના ઘરે રાખવામાં આવ્યા હતા. દરમ્યાન મંગળવારના બપોરે 4 વાગ્યાના અરસામાં એક થાર કાર આવીને ઉભી રહે છે, જેમાંથી ત્રણ યુવાનો બહાર આવીને ઘરમાં ઘુસીને સીધા બેડરુપ તરફ આગળ વધ્યા હતા.
જેના પલંગ પર બેઠેલા વૃદ્ધાને ઉભા કરી, છરી દેખાડીને આરોપીઓએ પલંગને ખોલી તેમાં રાખેલા બે બેગ કે જેમાં અંદાજીત 1.20 કરોડ જેટલી રકમ હતી, તેને લઈને તુરંત બહાર નિકળીને થારમાં બેસી ચાલ્યા ગયા હતા. આટલી મોટી રકમની ઘરમાંથી લુંટની ઘટના અંગે વાત ફેલાતા સમગ્ર શહેરમાં બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી. એ ડિવિઝન પોલીસ મથક, એલસીબી સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો હતો. નોંધવુ રહ્યું કે તાજેતરમાં શહેર મધ્યેથી આંગડીયાની લૂંટની ઘટના બની હતી, જેનો ભેદ પોલીસે થોડા સમયમાં ઉકેલી લીધો હતો.પોલીસે રેખાબેન કમલવાસુદેવ મુલચંદાણીની ફરીયાદ પરથી રપ થી 30 વર્ષના ત્રણ અજાણ્યા સામે ગુનો નોઘ્યો છે.
ઘટના સ્થળ આસપાસના સીસીટીવી સહિત હ્યુમન સર્વેલન્સ સહિતની તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે ઘટનાક્રમમાં સીસીટીવીમાં થાર કાર પણ જોવા મળી હોવાનું જાણવા મળે છે.ત્રણેય લુંટારાઓએ પોતે સીબીઆઇના અધિકારી હોવાની ઓળખ આપી છરી બતાવી લુંટ ચલાવી ભાગી ગયાનું ફરીયાદમાં જણાવ્યું છે. એ ડીવીઝન પી.આઇ. સી.ટી. દેસાઇ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.