અબતક-રામદેવ સાધુ-ગાંધીધામ
ગાંધીધામમાં કિડાણાના ગોદામમાં નિકાસ માટે રાખેલો રૂ.૧૦.૮૦ લાખનો ખાંડનો જથ્થો કંપનીના કર્મીઓની મિલીભગતથી ચોરી કરી બારોબાર વેંચનાર પાંચ કર્મચારીઓ તેમજ આ જથ્થો ખરીદનાર તુણાના વેપારીને બી-ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કિડાણાના સંઘવી ગોડાઉનમાં નિકાસ માટે સંઘરાયેલા ખાંડના જથ્થામાંથી પાંચ કર્મચારીઓએ જ સાંઠગાઠ કરી ૧૮૫.૯૮૦ મેટ્રિક ટન ખાંડનો જથ્થો સગેવગે કરી તે પૈકી રૂ.૧૦.૮૦ લાખની કિંમતનો ખાંડનો ૩૦ મેટ્રિક ટન કર્મચારીઓએ તુણા (રામપર)ના એક શખ્સને વેચી હોવાની ફરિયાદ જે.એમ. બક્ષી કંપની સાથે જોડાયેલી આઇસીટીઆઇપીએલ કંપનીના મેનેજર દિનેશ વ્યાસે ચોરી અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે છ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીનો માલ ખરીદનાર વેપારીને પોલીસે દબોચી લીધો: રૂ.૧૦.૮૦ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
આ ગુનાના આરોપીઓને પકડવા અલગ અલગ ટીમની રચના કરી ચક્રો ગતિમાન કરાયા હતા તે દરમિયાન આ ચોરીને અંજામ આપનાર વરસામેડી રહેતા શનિકુમાર પ્રમોદકુમાર શ્રીવાસ્તવ, ગાંધીધામના રાકેશ રાજુસિંહ રાણા, અજય જગદિશભાઇ શ્રીમાળી, મુળ યુપીના હાલે નવા કંડલા રહેતા ખુશમેન્દ્રકુમાર છઠ્ઠપ્રસાદ, મુળ અબડાસાના ભાચુંડાના હાલે ગાંધીધામ રહેતા રાજેશભાઇ મોહનભાઇ ભદ્રા અને આ રૂ.૧૦.૮૦ લાખનો ખાંડનો જથ્થો ખરીદનાર તુણા રામપરના વેપારી રાજેશભાઇ મ્યાજરભાઇ ઝેરનેપકડી લઇ ચોરી કરેલો ખાંડના જથ્થાનો તમામ મુદ્દામાલ રીકવર કરાયો હતો.
તો બીજી તરફ ચોરીના મુખ્ય સૂત્રધાર મનાતા ગાંધીધામના હીરજી પસા ડાભાણી હજી પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. આ ભેદ ઉકેલવાની કામગીરીમાં પીઆઇ સાગઠીયા સાથે પીએસઆઇ એસ.ડી.બારિયા, એએસઆઇ કિર્તિ ગેડિયા, હેડકોન્સ્ટેબલ સામત પટેલ, હાજાભાઇ ખટારીયા,જગુભાઇ મચ્છાર, કોન્સ્ટેબલ અજય સવસેટા, ધર્મેશ પટેલ અને ગૌતમ સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.