ગાંધીધામ સમાચાર
ગાંધીધામ મધ્યે શ્રી બાગેશ્વરધામ સેવા સમિતિ કચ્છ દ્વારા આયોજિત શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાયો. લોકોએ પોતાના પરિવાર, આરોગ્ય અને અન્ય પ્રશ્નો અંગે સમાધાન માંગ્યુ બાગેશ્વર દરબારમાં 40થી વધુ અરજીઓ પર થઈ સુનાવણી ગાંધીધામના દીનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકનાં મેદાનમાં ચાલતી કથામાં ત્રીજા દિવસે સવારે દિવ્ય દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો ઊમટી પડતાં કથા પંડાલ ટૂંકો પડ્યો હતો. દિવ્ય દરબારના આરંભમાં હનુમાનજીની પૂજા કરી, સર્વેની અરજીનો ભગવાન પાસે સ્વીકાર થાય તેવી કામના કરી હતી.
ત્યારબાદ કોઈની ચિઠ્ઠી ન નીકળે તો નિરાશ ન થવાનું જણાવી, હનુમાનજીની શરણમાં પહોંચી જવા કહ્યું હતું. વ્યાસપીઠ પરથી તેમણે કથાના ત્રણેય પંડાલમાં બિરાજમાન ભાવિકો પૈકી મહિલા, બાળકો, યુવાનો, વડીલોને સમકક્ષ બોલાવી તેમની સમસ્યા જાણી હતી અને ભગવાનનું સ્મરણ કરી દર્શાવેલા માર્ગ પર ચાલવા જણાવ્યું હતું. તેમજ ગાંધીધામ, કચ્છમાં લોકોને હનુમાનજી સાથે જોડવા આવ્યો છું. લોકોને તાંત્રિકોના ચક્કરમાં ન પડવા પણ તેમણે અપીલ કરી હતી. મહર્ષિ વાલ્મીકિના સમયથી દરબાર યોજાય છે. રામાયણ સમયથી આ મંત્રવિજ્ઞાન પદ્ધતિ છે. સનાતન ધર્મ કોઈથી ઓછો નથી. સંકટ છે તો હનુમાનજી સંકટમોચક છે. કચ્છમાં વારંવાર આવવાની મહેચ્છા તેમણે વ્યક્ત કરીને દિવ્ય દરબાર હંમેશાં માટે નિ:શુલ્ક રેહવાની વાત કરી હતી. દિવ્ય દરબારમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સાંજે કથાના પ્રારંભે સીતારામ, હનુમાન, રાધેબોલ, સત્યમ શિવમ સુંદરમ વગેરે ભજનોથી ભાવિકોને તલ્લીન કરી મૂક્યા હતા. તેમણે શ્રોતાઓ સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે, ભાગ્યમાં ગમે તેટલું અનિષ્ટ લખેલું હોય ત્યારે ભગવાનના દર્શન કરવાથી અમંગળ મંગળ બની જાય છે. જેવી રીતે મંદિર સારું હોય, પરંતુ તેમાં મૂર્તિ ન હોય તો મંદિરનું મહત્ત્વ નથી. એવી જ રીતે હનુમાનજી વિના ભગવાન રામ પણ અધૂરા છે, બન્ને એકમેકના પૂરક છે, જે પોતાને પરમાત્માનો દાસ સમજે છે તે ક્યારેય ઉદાસ નથી રહેતો. ભારતનો આ એક એવો પ્રદેશ છે જેનો મહિમા વિશ્વભરમાં ગુંજે છે. એક તરફ દ્વારકાનો નાથ, બીજી તરફ સોમનાથ હોય ત્યારે કોઈ અનાથ નથી. અંબાજી, પાવાગઢ, જૂનાગઢ વગેરે તીર્થસ્થાનોથી ભરેલું ગુજરાત સંતો, મહંતોની ભૂમિ છે. અહી નરસિંહ મહેતા જેવા સંત થઈ ગયા.
જેમની ભક્તિની ચર્ચા સર્વત્ર પ્રસરેલી છે, તેમાંય કચ્છ સમક્ષ છે. ગાંધીધામ કચ્છની આર્થિક રાજધાની છે, પરંતુ પાંચ દિવસીય કથાનાં આયોજનથી આધ્યાત્મિક રાજધાની બનશે. આપણે જીવન કામકાજમાં વ્યતીત કરી નાખીએ છીએ, એવી જ રીતે હનુમાનજીએ પણ રામકાજમાં જીવન વિતાવી નાખ્યું હોવાનું જણાવી, દિવ્ય દરબારમાં કચ્છ ઊમટી પડતાં વંદન કર્યું હતું.
કથામાં ભુજોડીના વણાટકામના કારીગર ખેંગારભાઈએ પોતાના હાથે બનાવેલી શાલ કથાકારને અર્પણ કરી હતી. કથાના આરંભમાં ઉપસ્થિત મહંતો સાધુ સંતોમાં પંચમુખી હનુમાન મંદિર આદિપુરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ, ભદ્રેશ્વર આશાપુરા મંદિરના ઈશ્વર નાથ મુલનાથ, ભદ્રેશ્વર ચોખંડા મહાદેવ મંદિરના જોગેન્દ્રપુરી કરસનપુરી તેમની સાથે અગ્રણીઓના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા, સંઘના મહેશભાઈ ઓઝા, કાજલબેન હિન્દુસ્તાની, જખાભાઈ હુંબલ વગેરે ઉપસ્થિત રહી કથા શ્રવણ તથા આરતીનો લાભ લીધો હતો. આયોજકોમાં ધવલભાઇ આચાર્ય, સુરેશભાઈ ગુપ્તા,મુકેશભાઈ ગુપ્તા, નંદલાલ ગોયલ, તથા મીડિયા ઇન્ચાર્જ મોમાયભા ગઢવી અને રાજભા ગઢવીએ દિવ્ય દરબાર અને હનુમંત કથાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.