- પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોકસંવાદનું કરાયું આયોજન
- લોકસંવાદમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- પોલીસ સંબંધિત વિવિધ પ્રશ્નો શહેરના અગ્રણીઓ દ્વારા કરાયા રજૂ
- મહાનિરીક્ષકે લોક પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી નગરજનોને સહકાર આપવા બદલ પાઠવ્યા અભિનંદન
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદનો કાર્યક્રમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયો હતો.
પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, DYSP મુકેશ ચૌધરી, DYSP સાગર સાંબડા, પ્રોબેશનલ DYSP પરેશ રેણુકાના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિત વિવિધ સંસ્થાના તેમજ રાજકીય-સામાજિક આગેવાનો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
લોકદરબારમાં પોલીસ સંબંધિત વિવિધ પ્રશ્નો શહેરના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાજવી ફાટક, ગળપાદર નેશનલ હાઈવે, પડાણાથી ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામ તથા શહેરી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક સમસ્યા, શાળા – કોલેજની આસપાસ ગુટકાનું વેચાણ બંધ કરાવવા, ખાનગી બસોનું ગતિ નિયંત્રણ, ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર ખડકાયેલાં દબાણો, અંજારમાં આશાબા વેબ્રિજથી કળશ સર્કલ સુધીના વન-વેનાં કારણે ડમ્પરચાલકોને પડતી મુશ્કેલી, આદિપુરમાં ST બસ સ્ટેશનથી ઘોડાચોકી-કેસરનગર સુધી આડેધડ વાહનોનું કરાતા પાર્કિંગનાં કારણે થતા અકસ્માતો નિવારવા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા, ગાંધીધામ સંકુલમાં તરુણ વયના વિદ્યાર્થીઓ વેપ સિગારેટના નસાનો ભોગ બનતા હોવાથી આ બાબત ઉપર નિયંત્રણ લાવવા, આદિપુરમાં શાળા-કોલેજના સમયે ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા તત્ત્વોને ડામવા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ વિવિધ રજૂઆતોની છણાવટ સાથે આઈ.જી. ચિરાગ કોરડિયાએ પ્રત્યુત્તરમાં ટ્રાફિકના પ્રશ્નો સંદર્ભે એક મહિનામાં પરિવર્તન લાવવા અને સુધારો લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ જાતની વ્યસનની વસ્તુઓ, ગુટકાનું વેચાણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તમામ આગેવાનોએ સામુહિક સુર વ્યક્ત કરતા જણાવેલકે ગાંધીધામમાં સર્વે સમાજો વચ્ચે એકતા અને કોમી એખલાસ ભર્યું વાતાવરણ છે.
આ લોક સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓનાં મંદિરોમાં ચોરી/ લુંટના કુલ-34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ”ના સાગરીતોને ઝડપી પાડવા બદલ પુર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના હસ્તે રિકવર કરેલ મુદ્દા માલ કાનમેર ગામના આગેવાનોને પરત સોંપવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડવા બદલ કાનમેર ગ્રામ પંચાયત સરપંચ રામ ભાટ્ટી,કાનમેર તાલુકા સદસ્ય કલુભા જાડેજા વેલજી,તા.સદસ્ય દિલીપ માજી, સરપંચ મેઘજી સોલંકી માજી,તા .સદસ્ય બાબુ ડોડીયા, ભીખા ભાટી , રામદેવજી જાડેજા દ્વારા પોલીસ મહા નિરીક્ષક,પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક અને સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષકે લોક પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપી પૂર્વ કચ્છ પોલીસ સ્ટાફ અને નગરજનોને સહકાર આપવા બદલ અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમનું સંચાલન DYSP અલ્પેશ રાજગોર અને આભાર વિધિ DYSP મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી