- લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસવડા સાગર બાગમારે આપી હૈયાધારણા
- શહેરીજનો, વેપારીઓ સહીતના લોકો રહ્યા ઉપસ્થિત રહ્યા
Gandhidham: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે પ્રથમ કાર્યક્રમ એ-ડિવિઝન માટે ગુરુકુળ વિસ્તારના દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનો, નાગરિકો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગાંધીધામ-આદિપુરમાં દરરોજ ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો હોવાની રજૂઆત કરી હતી.
સાથોસાથ ચોરીના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે. ગુરુકુળ વિસ્તારમાં ચડ્ડી, બનિયનધારી ટોળકી સી.સી. ટી.વી. કેમેરામાં દેખાતાં પોલીસને તેની જાણ કરાઇ હતી, પરંતુ પોલીસ મોડી આવવાના આક્ષેપ કરાયા હતા. ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતાં અને ઊતરતાં ભારે ટ્રાફિકજામ સર્જાતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઓવરબ્રિજ ઉપર પણ સી.સી. ટી.વી. કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી.
ટાગોર રોડની આસપાસ જાહેરમાં વેચાતા ઘાસચારા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. ચોરીના બનાવોમાં ઓછી રકમ દર્શાવવા દબાણ કરાતું હોવાના આક્ષેપ પણ કરાયા હતા. દારૂ, જુગાર, સ્પા, ચોરી, લૂંટ સહિતના પ્રશ્નોનો નાગરિકોએ મારો ચલાવ્યો હતો. આ બધા મુદ્દાઓ વચ્ચે કિડાણાથી સપનાનગર વચ્ચેનો બનાવ ઊભરીને બહાર આવ્યો હતો. કિડાણાનો એક કિશોર (વિદ્યાર્થી) મોપેડ લઇને સપનાનગર બાજુ ટયુશન જઇ રહ્યો હતો ત્યારે સામે પોલીસ જીપ જોઇને તેને ડર લાગતાં તે પાછો વળ્યો હતો, તેવામાં બાવળની ઝાડીમાં છુપાયેલા એક પોલીસકર્મીએ આ વિદ્યાર્થીને ધોકો મારતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.
જેમાં તેની આંગળી કાપવા સહિતની નોબત ઊભી થઇ હતી. સદનસીબે તેની આંગળી કપાઇ નહોતી, બનાવ અંગે તેના પિતાએ વારંવાર પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં આ અંગે કોઇ જ પગલાં ન લેવાતાં હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના પિતાએ કર્યો હતો. લોકોના તમામ પ્રશ્નો સાંભળી તમામ શાખાઓને સૂચના આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસવડા સાગર બાગમારએ હૈયાધારણા આપી હતી.
ભારતી માખીજાણી