બે શખ્સોએ ફોટો બતાવી વાતોમાં ભોળવી અને બે શખ્સો થેલો લઈ પલાયન
શહેરના સેકટર ૯ મધ્યે ધોળા દિવસે મામાની દુકાને નાણાં લેવા ગયેલા ભાણેજને બે શખ્સોએ ફોટા બતાવી વાતોમાં મશગુલ રાખ્યો હતો. પાછળથી બે ઈસમો મોપેડમાં રાખેલ રૂ.૬ લાખ લઈ લીધા હતા અને ચારેય ગઠીયા પલાન થઈ જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સેકટર ૯ મધ્યે આવેલી સેન્ટ્રલ બેંક સામે ચામુંડા એન્ટરપ્રાઈઝ નીચે આ બનાવ બન્યો હતો. તાલુકાના અંતરજાળ ગામે રહેતો પ્રવીણ લખુ ખુંગલા મામાની દુકાને નાણાં લેવા ગયો હતો. જયાંથી રૂ. ૬ લાખ લઈ મોપેડ નં. જી.જે. ૧૨ સીએલ ૧૧૬૫ પાસે આવ્યો હતો.
આ દરમિયાનમાં બે અજાણ્યા શખ્સો પ્રવિણ પાસે ગયા હતા અને પાસપોર્ટ સાઈઝનો ફોટો બતાવી આ ભાઈને ઓળખો છો? તેવું કહી વાતોમાં મશગૂલ રાખ્યો હતો.
યુવાનને વાતોમાં મશગૂલ રાખીને પાછળથી અન્ય બે ઈસમો બાઈક પર ત્યાં ઘસી ગયા હતા. ત્યારબાદ પ્રવીણની નજર ચૂકવી મોપેડની ડીકીમાં પ્લાસ્ટીકની બેગમાં રાખેલા રોકડ રૂપીયા ૬ લાખ લઈ ગઠીયા પલાયન થરૂ ગયા હતા. ઘટના બાદ પ્રવિણને સમગ્ર મામલાની જાણ થઈ હતી.
પરિણામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે અંગે પીઆઈ બી.એસ. સુથારે જણાવ્યું હતુ કે, મોપેડમાંથી રોકડ તફડાવાના બનાવ અંગે સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામા આવી હતી જેમાં આરોપીની કરતૂત નજરે પડી હતી. પરંતુ ઓળખ શકય ન બની હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.