ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો આતંક સતત વધી જ રહ્યો છે ક્યારેક કોઈ ચાલતું જતું વ્યક્તિ તો ક્યારેક કોઈ શ્રમિકની લારી કે પછી સ્કૂલ રિક્ષાને જતા અથવા ટુ વ્હિલર ઉપર જતા લોકો પણ રખડતાં ઢોર અડફેટે લેતા હોય છે, ત્યારે વધુ એક ઘટના રખડતા ઢોરની અડફેટે ગાંધીધામમાં વૃદ્ધનું મોત થયુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કચ્છ જીલ્લાના ગાંધીધામના સુંદરપુરીનાં તલાવડી ચોકની છે જ્યાં આજ રોજ સવારના અરસામાં જામાભાઈ વાઘાભાઈ વણકર (ઉ.વ ૭૨) સુંદરપુરીના તલાવડી ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે વૃદ્ધને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પરીવારજનોએ રામબાગ હોસ્પિટલ તથા નગરપાલિકા પ્રશાસન ઉપર આક્ષેપો કરતાં જણાવ્યુ હતુ કે, જામાભાઈને હોસ્પિટલમાં ફકત પ્રાથમિક સારવાર મળી હતી ત્યાર બાદ તેમનું અચાનક મૃત્યુ થયું હતુ. તો રખડતાં ઢોરનાં કારણે થયેલ આ મૃત્યુને લીધે જ્યાં સુધી નગરપાલિકા વિરૂધ્ધ ફરીયાદ ન નોંધાય ત્યાં સુધી લાશ લેવાનું પણ પરીવારજનોએ ઈન્કાર કર્યો છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ બનેલી ઘટના માટે ભારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગળથી આવી ઘટના ફરી વખત ના બને તે માટે સો ટકાની કાળજી રાખવામાં આવશે. અને તેમના સીઓ પદ પર આવ્યા પહેલા બની ગયેલ ઘટના વિશે ફોલોઅપ લેવાની ખાતરી પણ આપી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ