- વડીલોપાર્જિત જમીનના ચાલતા મન દુઃખનો આવ્યો કરુણ અંજામ : છરીના ઘા ઝીંકી વૃધ્ધ મોટા બાપાને મોતને ઘાટ ઉતાર્યા
કચ્છના ગાંધીધામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન હત્યા અને મારામારીની ઘટનાઓ બનવા પામી છે.ત્યારે ગઈકાલ મોડી રાત્રીના ગાંધીધામના ભારતનગર ખાતે 65 વર્ષીય વૃદ્ધને છરીના ઘા ઝીંકી તેમના ભત્રીજાએ જ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથધરી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ પલાસવાના અને હાલ ગાંધીધામના ભારતનગર રહેતાં 65 વર્ષીય ભીમાભાઈ જેસંગભાઈ પ્રજાપતિ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામા પોતાના ઘરે જમી રહ્યા હતા ત્યારે તેમના ભાઈનો પુત્ર વિકાસ મોહનભાઇ પ્રજાપતિ (રહે.કેશર નગર,આદીપુર) આવ્યો હતો અને તેમની સાથે જમીનના મુદ્દે બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાશી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અને મૃતદેહ પીએમ માટે રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો. પોલીસે પ્રાથમિક કારણ આપતાં જણાવ્યું હતું કે, પરિવારની વડીલોપાર્જિત જમીન મુદ્દે અનબન ચાલતી હતી અને એ જ કારણોસર આ હત્યાને અંજામ અપાયો હોવાનું જાણવા મળ્યું છે.