મોલના સિક્યુરિટી અને હાઉસ્કીપિંગના સ્ટાફે જ ચોરીનો પ્લાન ઘડ્યો’તો: રૂ.10.66 લાખની માલ કબ્જે
અબતક-રામદેવ સાધુ-કચ્છ
ગાંધીધામમાં હાયપર મોલમાં થયેલી રૂ.13 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી એક સગીરવયના આરોપી સહિત ત્રિપુટીને ઝડપી પાડી છે. જેમાં પોલીસે રૂ.8 લાખની રોકડ સહિત કુલ રૂ.10.66 લાખની મત્તા કબ્જે કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે આવેલા ઓશીયા મોલમાં દરવાજા તોડી રાત્રી દરમિયાન રૂ.13.50 લાખની રોકડ તથા રૂ.20 હજારની કિંમતના 77 ચાંદીના સિક્કા મળી કુલ રૂ.13.70 લાખની ચોરી થઇ હોવાની ઘટના બાદ મોડાસાના અરવલ્લીની લોકલ ક્રાઈમ બ્રાંચે મુળ યુપીના આરોપી માધવ પ્રેમસિંગ ગોપી જાટવને રોકડ રૂ.8,41,780,ચાંદીના નાના મોટા 31 સિક્કા અને ડોલર મળી મળીને કુલ રૂ.10,66,080 ના મુદામાલ સાથે એક સગીરવયનો આરોપી તથા માધવ પ્રેમસિંગ ગોપી અને કલ્પેશ ડાયાભાઇ વાલ્મિકીને ઝડપી પાડયા છે. આ ચોરીને આ હાયપર મોલમાં સિક્યુરીટી અને હાઉસ કીપિંગના કર્મચારીઓએ જ ષડયંત્ર રચી અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
મોલમાં જ સિક્યુરીટી અને હાઉસ કિપીંગમાં નોકરી કરતા ચાર જણાએ રૂ.13.70 લાખની ચોરી કરી ભાગલા પાડી વહેંચણી કરી લીધી હતી જેમાં એક આરોપીએ તેને મળેલી રકમમાંથી રૂ.1,20,000 ની કિંમતનો મોંઘો મોબાઇલ ખરીદ્યો હતો જે પણ પોલીસે કબજે લઇ લીધો છે. મોલમાં દરવાજો તોડી ચાર કર્મીઓએ જ કરેલી ચોરી દરમિયાન ખાનામાં રોકડ સાથે રાખેલું ડોલરનું ચલણ પણ હાથમાં આવી ગયું હતું. પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી 29 ડોલર પણ કબજે કર્યા હતા.
આ કામગીરીમાં એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજા, પીએસઆઇ એન.વી.રહેવર સાથે સ્ટાફ જોડાયો હતો.