પ્લોટના મૂળ માલિકના નામની બોગસ સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી ત્રણ શખ્સોએ રૂ.35 લાખનું કૌભાંડ આચર્યું
ગાંધીધામ તાલુકા લાકડીયા ગામે ખોટા દસ્તાવેજ રજુ કરી 20 પ્લોટ બારોબાર વેચી નાખ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્લોટના મૂળ માલિકના નામના બોગસ સહી કરી ખરા તરીકે ઉપયોગ કરી મુંબઈ સહિતના ત્રણ શખ્સોએ રૂ.35 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામ તાલુકાના લાકડિયા ગામમાં રૂ.35 લાખની કિંમતના 20 પ્લોટ જુના માલિકી હક્કનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી માલિકની ખોટી સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી માલિકીની જાણ બહાર વેંચી મરાયા હોવાની વિશ્વાસઘાતની ફરિયાદ લાકડિયા પોલીસ મથકે નોંધાઇ છે. જે અંગે મુળ રાપરના ત્રાંબૌના હાલે મુંબઇ વસતા પૂર્વિબેન જયેશભાઇ ગાલાની ફરિયાદ મુજબ, વર્ષ-2010માં મુળ લાકડીયાના હાલે મુંબઇ વસતા રસિકભાઇ વેરશીભાઇ સાવલા તેમના પતિને અવાર નવાર ધંધાર્થે મળતા હોઇ તેમણે લાકડીયા સીમના સર્વે નંબર 643 ના રહેણાક હેતુ માટે બીન ખેતીમાં ફેરવાયેલા નંબર 1 થી 20 પ્લોટ જે હાલે મેકણ જેઠાલાલ ગાલાના નામે છે.
જે વેચવાના હોવાનું જણાવ્યા બાદ આ 20 પ્લોટ રૂ.35,00,000માં ઓનલાઇન રજિસ્ટર દસ્તાવેજથી વર્ષ-2010માં મેકણ જેઠાલાલ ગાલાના પાવરદાર રસિક વેરશી સાવલા પાસેથી ખરીદ્યા હતા. પરંતુ રસિકભાઇ વેરશીભાઇ સાવલા વર્ષ-1995માં આ પ્લોટોની માલિકી ધરાવતા હોઇ જુના માલિકી હક્કનો ખોટો ઉપયોગ કરી પ્લોટ નંબર 1 થી 6 લાકડીયાના ગણપતરાય પ્રહલાદરાય પંડ્યાને રજીસ્ટર દસ્તાવેજથી વેંચાણ કરયા હતા તેમજ પ્લોટ નંબર 7 થી 12 હિતેષ ગણપતરાય પંડ્યાને વેચાણ કર્યા અને પ્લોટ નંબર 13 થી 20 ફરિયાદીના નામનું ખોટું પાવરનામું બનાવી ફરિયાદીની ખોટી સહી કરી ગણપતરાય પ્રહલાદરાય પંડ્યાને વેંચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત કર્યો હતો.
જે અંગે પૂર્વીબેન ગાલાએ લાકડિયા પોલીસ મથકમાં મૂળ લાકડીયા ગામના અને હાલ મુંબઈ રહેતા રસિક વેરસી સાવલા, લાકડિયા ગામના હિતેશ ગણપતરાય પંડ્યા અને તેના પિતા ગણપતરાય પ્રહલાદરાય પંડ્યા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે છેતરીંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.