Gandhidham: સરહદ ડેરી અંજાર દ્વારા અંજાર તાલુકાના ચાંદરાણી ગામે આવેલ “સરહદ સંકુલ”માં નવ નિર્મિત સરહદ ડેરીની કોર્પોરેટ હેડ ઓફિસનું લોકાર્પણ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નિર્મિત તેમજ આધુનીક ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ સરહદ ડેરીના કોર્પોરેટ ઓફિસના લોકાર્પણ પ્રસંગે ભારતીય પરંપરા મુજબ પૂજાવિધિ અને હવન વિધિ કરવામાં અબયું હતું. ત્યાર બાદ વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે,
કચ્છ જીલ્લાની સૌથી મોટી ડેરી એટ્લે “સરહદ ડેરી”ની કામગીરીનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જતું હોવાથી અંજાર સ્થિત હાલની જગ્યા કર્મચારીઓ તથા રેકર્ડ રાખવા માટે નાની પડતી હતી. જેથી નૂતન કોર્પોરેટ ઓફિસનું નિર્માણ કરીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે “સરહદ સંકુલ” ની અંદર જ બનાવેલ હોવાથી દૈનિક દૂધ પ્લાન્ટ, આઇસ્ક્રીમ પ્લાન્ટ, કેટલ ફીડ પ્લાન્ટ વગેરેની કામગીરી રૂબરૂ માં જોઈ શકાશે અને ઝડપથી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે કામ અર્થે તમામ પત્ર વ્યવહાર કરવા માટે હવેથી ચાંદરાણી સ્થિત નૂતન ઓફિસનું સરનામું ઉપયોગમાં લેવું.
અધિકારીઓ રહ્યાં હાજર
આ સાથે સરહદ ડેરી વાઇસ ચેરમેન વિશ્રામભાઈ રાબડીયા, તમામ ડાયરેક્ટરો, હેડ ઓફિસ AGM નીરવભાઈ ગુસાઈ ,દૂધ પ્લાન્ટ, આઇસક્રીમ પ્લાન્ટ તેમજ કેટલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા.
ભારતી માખીજાણી