- સમાધાન કરવાના બહાને બોલાવી યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતાં ચકચાર
- ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યો અને પરિણીતા સાથે આંખ મળી: સરકારી નોકરીની પરીક્ષા આપે તે પહેલાં જ યુવાનના મોતથી પરિવારમાં આક્રંદ
ગાંધીધામમાં શિણાય ગામે પરિણીતા સાથેના આડા સબંધના કારણે દંપતીએ કાવતરું રચી મૂળ ગોંડલના યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારતાં ચકચારી મચી જવા પામી છે. પતિ સાથે સમાધાન કરવાના બહાને બોલાવી યુવાનનું ઢીમ ઢાળી દીધું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી દંપતી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામના શિણાય ગામે રહેતા મયુરભાઈ રમણીકભાઇ કાછડ નામના 32 વર્ષના યુવાને આદિપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના નાના ભાઈ 31 વર્ષીય અંકિત કાછડની શિણાય ગામના રહેતા ભાવેશ ધનજી વાણિયા અને તેના પત્ની સંગીતા વાણિયાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ફરિયાદ નોંધાવતા આદિપુર પોલીસ મથકના પીએસઆઈ બી.વી.ચુડાસમા સહિતના સ્ટાફે દંપતીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
મૃતકના ભાઇ મયુરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો ભાઈ અંકિત આર. ઓ. ફિટિંગ અને ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો. એક વર્ષ પહેલાં અંકિત સંગીતાના ઘરે ઇલેક્ટ્રિક કામ અર્થે ગયો હતો ત્યારે બંને વચ્ચે આંખ મળી હતી. ત્યાર બાદ તેના પતિ ભાવેશને આ અંગે જાણ થતાં અંકિત અને ભાવેશ વચ્ચે ટેલીફોનીક બોલાચાલી થતી હતી. ગત તા.10મી નવેમ્બરના રોજ અંકિત તેના ભાઈ મયૂરને મળવા આવ્યો હતો અને તે ગોંડલ વતનમાં પીજીવિસિએલની પરીક્ષા આપવા જવાનું કહ્યું હતું. આ સાથે તેને ભાઈને જણાવ્યું હતું કે સંગીતાના ફોન આવે છે અને તે સમાધાન માટે મળવા બોલાવે છે.
આ અંગે મયુરભાઈએ અંકિતને ત્યાં જવાની ના પાડી હતી. તેમ છતાં સંગીતાએ ફોન કરી તેને મળવા મજબૂર કર્યો હતો. ત્યારે અંકિત મળવા ગયો અને અગાઉથી કાવતરું રચી બેઠેલા દંપતીએ તેના પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યાર બાદ દંપતીએ જ પોલીસ અને 108માં જાણ કરી હતી અને ભાવેશે જણાવ્યું હતું કે અંકિત તેના પત્ની સંગીતાની છેડતી કરવા આવ્યો હોવાથી માર માર્યો હતો.
પરંતુ ગંભીર હાલતમાં અંકિતને હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી દંપતી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.