ધારિયા અને છરીથી હુમલો કરી પોલીસને બટકા ભરી લીધા: ચાર મહિલા સહિત આઠ સામે નોંધાતો ગુનો
ગાંધીધામની ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા તસ્કરને કિડાણા ગામે એક હેડ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ સ્ટાફ ધરપકડ કરવા ગયા ત્યારે ચાર મહિલા સહિત આઠ શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરી પોલીસ સ્ટાફને બટકા ભરી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે રીઢા તસ્કર અને તેના પરિવારની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવદતા ભરતકુમાર ભીખાભાઇ ભાટીએ કિડાણાના અકરમ, ઇસ્માલ ચાવડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા, શબનમ ચાવડા, અકરમની માસી અને ત્રણ અજાણી મહિલાઓએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગઇકાલે અષાઢી બીજ અને સમરશા પીરની દરગાહમાં ઉર્ષ હોવાથી હિન્દુ મુસ્લિમનો તહેવાર એક જ દિવસે હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન ગાંધીધામની ચોરીના ગુનામાં સંડોવાયેલો અકરમ ઇસ્માઇલ ચાવડા તેના ઘરે કિડાણા આવ્યાની બાતમીના આધારે ભરતકુમાર ભાટી, હેડ કોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ, રવિભાઇ પરમાર, હિરેનકુમાર મહેશ્ર્વરી અને પ્રદીપસિંહ ઝાલા સહિતના સ્ટાફ અકરમ ચાવડાને પકડવા તેના ઘરે ગયા હતા.
પોલીસને જોઇ અકરમ ચાવડા, તેના પિતા, માસી સહિતના શખ્સો ઉશ્કેરાયા હતા અને ધારિયા અને છરીથી હુમલો કર્યો હતો પોલીસે પ્રતિકાર કરી અકરમ ચાવડા સાથે ઝપાઝપી કરી ઝડપી લેતા તેને પોલીસ સ્ટાફને બટકા ભરી ભાગી છુટયા બાદ પોલીસે તેને ફરી પકડી લીધો હતો. પોલીસે ચાર મહિલા સહિત આઠ સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરી ખૂની હુમલો કર્યા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અકરમ ચાવડા મારમારી અને ચોરીના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે જ્યારે તેના પિતા ઇસ્માઇલ ચાવડા સામે પણ મારામારીના ગુના નોંધાયેલા છે.
કિડાણામાં તાજેતરમાં જ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઘર્ષણ થયું હોવાથી પી.આઇ. પી.એન.ઝીંઝુવાડીયા સહિતના સ્ટાફે કિડાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.