- ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- તુંણા પોર્ટ તરફના માર્ગે ઓવરલોડ કપચી ભરેલા ચાર ડમ્પરની કરાઈ અટકાયત
- ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડના અધિકારીએ ટીમ સાથે મળી કરી કામગીરી
- ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
અંજારના તુંણા પોર્ટ તરફના માર્ગે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડના અધિકારીએ ટીમ સાથે ઓવરલોડ કપચી ભરેલા ચાર ડમ્પર અટકાવ્યા બાદ આ ડમ્પરોના માલિકે અધિકારી સાથે બોલાચાલી કરી અન્ય 2 લોકો સાથે ગાર્ડને ધક બુશટનો મારી મારી સરકારી કામમાં બાધા નાખી હોવાની ઘટનામાં ફ્લાઇંગ સ્ક્વોડના સુપરવાઇઝરે ત્રણ જણા વિરુધ્ધ કંડલા મરિન પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ફ્લાઇંગ સ્ક્વોડમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનોજભાઇ બંસીલાલ ઓઝાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.21/11 ના તેઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવા, સર્વેયર વિક્રમસિંહ સુરસિંહ રાઠોડ, સિક્યુરીટી ગાર્ડ યુવરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને ચાલક સાગરભાઇ પવાયા સાથે ઉપરી અધિકારીની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન સાંજે તુણા ઝીરો પોઇન્ટથી પોર્ટ તરફ જતા રોડ પર ઓસિયન લાઇફ સ્પેસિસ ઇન્ડીયા પ્રા.લિ.ની ઓફિસ પાસે આવેલા વજન કાંટા પાસે પહોંચયા.
તુણા ગામ તરફથી આવી રહેલા 4 ડમ્પરને રોક્યા હતા. જેમાં બ્લેક ટ્રેપ ખનિજ (કપચી) ભરેલું હતું. જે ઓવરલોડિંગ હોવાનું જણાતાં ચારે ડમ્પરનું વારાફરથી વજન કરાવતા હતા તે દરમિયાન એક ડમ્પરના વીડી રહેતા માલીક કમલેશ હડીયાએ ત્યાં પહોચી તેમને અમારા ડમ્પરો કેમ રોક્યા છે કહી માથાકૂટ શરુ કરી હતી, થોડી વારમાં જ કમલેશના ઓળખીતા વીડીના જ દિનેશ હડીયા અને અંબાપરના ચોથાભાઇ બકુત્રા પણ આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી તેમની સાથે કરી રહ્યા હતા. તેમને અમારી કાર્યવાહી અમને કરવા દો કહેતાં ઉશ્કેરાયેલા ત્રણે જણાએ તેમને તથા સીક્યુરીટી ગાર્ડ યુવરાજસિંહને ધક બુશટનો માર મારી સાથેના કર્મચારીઓને પણ ભૂંડી ગાળો આપી હતી. આ દરમિયાન ચારે ડમ્પરો ઓવરલોડ ભરેલા હોવાથી તમામ વાહનો સિઝ કરી ક઼ડલા મરિન પોલીસ મથકે સોંપાયા હતા. તેમણે સરકારી કાર્યમાં બાધા ઉભી કરી મારકૂટ કરનાર ત્રણે વિરુધ્ધ કંડલા મરિન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી