- કુલ રૂ. 15,93,990નો મુદ્દામાલ હસ્તગત કરાયો
- હત્યા, ચોરી, લૂંટ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલતી ગાંધીધામ B ડીવીઝન પોલીસ
ગાંધીધામ ન્યૂઝ : ગાંધીધામ શહેરના કાસેઝ નજીક ઓવરબ્રિજ પાસેથી પોલીસે એક રીઢા ગુનેગારને ઝડપી પાડયો હતો. આ શખ્સ પાસેથી પિસ્તોલ, કાર્ટિસ તથા જુદી જુદી જગ્યાએ ચોરી કરેલા સોનાંના દાગીના, વાહનો વગેરે મળીને કુલ રૂા. 15,93,990નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.
બાલંભો હુસેન કમોરા નામના આરોપીની ધરપકડ
શહેરના B-ડિવિઝનની સ્થાનિક પોલીસ કાસેઝના લાલગેટ પાસે હતી, તે દરમ્યાન મીઠીરોહર ગામમાંથી ચોરી થયેલ સફેદ રંગની એક્સેસ ટુ-વ્હીલર સાથે એક શખ્સ કંડલાથી ગાંધીધામ બાજુ કાસેઝના વળાંક તરફ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી ટીમને મળી હતી, જેના આધારે ઓવરબ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી દ્વિચક્રીય વાહન આવતાં તેને રોકાવી ચાલકની તલાશી લેવામાં આવી હતી. તેની ભેઠમાંથી હાથ બનાવટની એક પિસ્તોલ તથા તેમાં એક કાર્ટિસ મળી આવ્યા હતા. આ અગ્નિ શત્રના આધાર-પુરાવા ન હોવાથી અસગર ઉર્ફે બાલંભો હુસેન કમોરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
ઘણા દુશ્મન હોવાથી પિસ્તોલ રાખ્યાની કબૂલાત
આ વાહનની ડેકીમાંથી સોનાં-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ શખ્સ અગાઉ જોડિયા ખાતે હત્યાના કેસમાં પકડાયો હતો. અને જામનગર જેલમાં હતો. જે તા. 10/1/2022થી પેરોલ ઉપર છૂટયા બાદ ત્યાંથી ફરાર હતો. તેમજ પોતાના ઘણા દુશ્મન હોવાથી પોતાની પાસે પિસ્તોલ રાખી હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. પકડાયેલા આ શખ્સ પાસેથી પિસ્તોલ, કાર્ટિસ, 10 ગ્રામનું સોનાંનું બિસ્કિટ, સોનાંની બે વીંટી, ચાંદીના ગોળ તથા લંબગોળ સિક્કા, કેમેરા, મહિન્દ્રા SUV, 300 કાર નંબર GJ 06 PA 0505, I-20 કાર નંબર GJ 12 DA 9319, એક્સેસ ગાડી નંબર GJ 39 B 0866 તથા પલ્સર બાઇક નંબર GJ 36 AE 6071 એમ કુલ રૂા. 15,93,990નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આદિપુરમાં બે, મોરબી, ગાંધીધામ B-ડિવિઝનના બે તથા A-ડિવિઝનની એક એમ ચોરી સહિતના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. તેમજ અંજારમાં નોંધાયેલા ચોરીના ગુનામાં તે નાસતો-ફરતો હતો.
અન્ય બે શખ્સને પકડવા તવાઈ
ગાંધીધામ, આદિપુરમાં નોંધાયેલા ગુનાઓમાં તેની સાથે સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદ છરેચા તથા ઇન્દ્રસિંઘ રામસિંઘ રાઠોડનાં નામ બહાર આવતાં પોલીસે આ બંને શખ્સને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરી છે. પકડાયેલા અસગર ઉર્ફે બાલંભો હુશેન કમોરા (ઉ.વ.24 રહે- બાલંભા તા-જોડીયા જી-જામનગર) નામના શખ્સ વિરુદ્ધ અગાઉ જામનગર, સામખિયાળી, મોરબી, ભેડિયા પોલીસ મથકોમાં હત્યા, ચોરી, લૂંટ સહિતના ગુના નોંધાયેલા છે.
પોલીસ અધિકારીઓની સરાહનીય કામગીરી
આ કામગીરી ગાંધીધામ B ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા,પો.સબ ઇન્સ. કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી.
ભારતી માખીજાણી