કેશોદ, પોરબંદર અને મુંબઈના શખ્સોએ સબંધ કેળવી બદનામ કરવાની ધમકી આપતા: ત્રિપુટીની શોધખોળ
ગાંધીધામએ ઉદ્યોગની હરણફાળ ભરી છે ત્યારે તેની સામે આર્થિક ગુનાઓનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. અત્રે ઉધોગપતિઓને સસ્તા દરે સોનુ અપાવવાની લાલચે છેતરતા હોવાના બનાવો છાસવારે બનતા રહે છે. ત્યારે ગાંધીધામમાં વધુ એક આર્થિક ગુનાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એનઆરઆઈ ઉદ્યોગપતિ સાથે સબંધ કેળવીને રૂ.2 કરોડની ખંડણી પડાવવાની ફરિયાદ બી – ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં કેશોદ, પોરબંદર અને મુંબઈના શખ્સોએ બદનામ કરવાની ધમકી આપી કરોડોની ખંડણી માગી હોવાનું ઉદ્યોગપતિ ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના હાલે લુણવા ખાતે પોદ્દાર ટીએમટી ફેક્ટરી, પડાણા પાસે સ્ક્રેપ યાર્ડ તેમજ કિડાણા ખાતે પોદ્દાર સ્કુલ ચલાવતા ઉદ્યોગપતિ સંજયકુમાર શ્યામસુંદર પોદ્દાર ( અગ્રવાલ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલે તેઓ નિયમ અનુસાર છેલ્લા 18 વર્ષથી દુબઇમાં રહે છે.
ઉદ્યોગપતિને વર્ષ-2019માં તેમને મસ્કતમાં સ્ક્રેપનો ધંધો ચાલુ કરવો હોઇ ભરત જરૂને વાત કરી હતી પરંતુ કોવિડ-19 અને ત્યારબાદ ભરતે મસ્કતમાં આ ધંધો પડી ભાંગ્યો હોવાનું અને નોકરીની શોધમાં ગાંધીધામ બાજુ જઇ રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ ખાતે તેમને મળી હાલ નાણાકીય ભીડ છે કહી નાણા માગ્યા હતા પરંતુે તેમણે ના પાડી હતી.
પોદ્દાર ગૃપના ઉદ્યોગપતિ સંજયકુમાર પોદ્દારે નોંધાવેલી ફરિયાદમાં ઉમેર્યું હતું કે, ભરત કરશન જરૂએ દુબઇ ખાતે થયેલી મુલાકાતમાં તેઓ પોતાના ઇરાની નામના ભાગીદાર સાથે મસ્કત ખાતે ખાંડ અને ચોખા મગાવી વેપાર કરતા હોવાનું જણાવતાં તેમણે ગાંધીધામ ખાતે ગુજરાત પ્રોવિઝન સ્ટોર ધરાવતા અને અહીંથી ચોખાની નિકાસ કરવાનો ધંધો કરતા રમેશભાલ ગોયલ પાસેથી ખરીદવા કહ્યું હતું. આ બન્ને ભાગીદારે તેમના મિત્ર પાસેથી ચારથી પાંચ વખત ખરીદી કરી પરંતુ તેમને પણ નાણા પૂરા ન આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ત્યારબાદ આ લોકોએ સતત ફોન મારફત ફોન પર બદનામ કરવાની ધમકી આપતો હતો. ત્યારબાદ સમાધાન કરવું હોય તો બે કરોડ આપવા જ પડશે નહીં તો નુકશાન પહોંચાડશું તેવી ધમકીઓ આપતો હોવાનું તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ બી – ડિવિઝનના પીઆઈ એમ.એન. દવે સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી હાથધરી છે.