લઘુશંકા કરવા ઉભેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર મારી રોકડા અને મોબાઇલ લૂંટી ત્રિપુટી ફરાર
અબતક, રાજકોટ
ગાંધીધામ પાસે પડાણા ગામ નજીક લઘુશંકા કરવા ઉભેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર ત્રણ અજાણ્યા શખ્સોએ ધારીયા વડે હુમલો કરી રોકડા રૂા.17,000 અને મોબાઇલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયાની ઘટના પોલીસ મથકમાં નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી કુલદિપસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.20)એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પોલીસ ફરિયાદના આધારે કુલદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગત તા.19મી ફેબ્રુઆરીના પોતે પોતાના મોટર સાયકલ પર સામીખીયારીથી ગાંધીધામ જવા માટે નિકળ્યા હતા. તે દરમ્યાન કુલદિપસિંહ લઘુશંકા કરવા માટે પડાણા ગામ નજીક ઉભા રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ યુવાનને પોતાની પાસે જે કંઇ હોય તે આપી દેવા જણાવ્યું હતું.
કુલદિપસિંહએ વસ્તુ આપવા માટે આનાકાની કરતા લૂંટારૂઓએ ધારીયા વડે હુમલો કરી યુવાન પાસેથી રોકડા રૂા.17,000 અને મોબાઇલ મળી કુલ રૂા.44,200ની લૂંટ ચલાવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી ત્રણ શખ્સો સામે લૂંટ અને હુમલાને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.