ગાંધીજીના અસ્થી દેશના વિવિધ શહેરોમાં લઇ જઇ નદી અને સમુદ્રમાં પધરાવ્યા ત્યારે આઝાદીના લડવૈયા ભાઇ પ્રતાપ ગાંધીજીના અસ્થી કચ્છમાં લાવી સમાધી બનાવી
રાજઘાટ દિલ્હી બાદ આદિપુરમાં બનેલી ગાંધી સમાધીની વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ, મોરારજીભાઇ દેસાઇ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ અને અશોક ભટ્ટે મુલાકાત લીધી હતી
સૌરાષ્ટ્રમાં જ જન્મેલા મહાત્મા ગાંધીની કચ્છના આદિપુર ખાતેની સમાધીથી અપરિચિત
૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ તેમના મૃત્યુના સાત દાયકા પછી પણ તેમના વિચારો અને આદર્શ વિશ્ર્વભરમાં અમર છે. મહાત્મા ગાંધીજીની દિલ્હીના રાજઘાટ ખાતે અને પૂર્વ કચ્છના આદિપુર ખાતે સમાધિ આવેલી છે. પોરબંદર મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળનું મહત્વ છે એટલું જ મહત્વ કચ્છના ગાંધીધામ માટે છે. ગાંધીજીની સમાધિ પરથી જ ગાંધીધામ શહેરનું નામકરણ કરી બંજર સ્થળ આજે દેશના અગ્રણી ઇકોનોમિક શહેરમાં ગાંધીધામનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રમાં જન્મેલા મહાત્મા ગાંધીજીની સમાધિ કચ્છના આદિપુર ખાતે આવેલી છે તે વિગતથી મોટા ભાગના સૌરાષ્ટ્રવાસીઓ અજાણ છે તે મોટી કમનશીબી છે.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા સિંધી સમાજ મોટી સંખ્યામાં ભારતમાં સ્થાયી થવા આવ્યા હતા. શરણાર્થીઓનો સમાવેશ કરવા માટે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહે‚, વલ્લભભાઇ પટેલ અને ભાઇ પ્રતાપે કચ્છ પર પ્રસંદગી કરી હતી અને કચ્છના મહારાવ વિજયરાજજી ખેંગારજી પાસે આદિપુર પાસેની બંજર જમીન માંગતા તેઓએ ૧૫ હજાર હેક્ટર જમીન આપવા સહમત થયા હતા. શરણાર્થીઓના પુન: વસવાટ માટે ભાઇ પ્રતાપે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની રચના કરી ગાંધીધામની સ્થાપના કરી હતી. અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સિંધોલોજીની રચના કરી આદિપુરની સ્થાપના ભાઇ પ્રતાપે કરી હતી.
હૈદરાબાદના સિંધ પ્રાંતમાં ૧૪ એપ્રિલ ૧૯૦૮માં જન્મેલા ભાઇ પ્રતાપ જવાહરલાલ નહેરૂની જેમ ગર્ભશ્રીમંત હતા. તેઓ મહાત્મા ગાંધી અને વલ્લભભાઇ પટેલની સાથે આઝાદીની લડતમાં જોડાયા બાદ શરણાર્થીઓના સમાવેશની કામગીરી સંભાળી લીધી હતી તે દરમિયાન તા.૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યાના સમાચારથી તેઓ ઘણા દુ:ખી થયા હતા. ગાંધીજીના અસ્થિ વિવિધ શહેરોની નદી અને સમુદ્રમાં પધરાવવાના હોવાથી ભાઇ પ્રતાપ ગાંધીજીના અસ્થિ પોતાની સાથે લાવી આદિપુર ખાતે સમાધિ બનાવી હતી અને શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલા શહેરનું નામ ગાંધીધામ રાખ્યું હતું.
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલા ગાંધીધામ ગાંધીજીની સ્માધિ પરથી જ રાખવામાં આવ્યું હતું. જંગલ વિસ્તારને રમણીય શહેર બનાવવા માટે ભાઇ પ્રતાપે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી શેર ભંડોળ ઉભુ કર્યુ હતું. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના શેર આજે મેળવવા મુશ્કેલ છે.
આદિપુર ખાતે ગાંધીજીની સમાધિ બન્યા બાદ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહે‚, મોરારજીભાઇ દેસાઇ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ, અને અશોકભાઇ ભટ્ટે મુલાકાત લીધી છે. એટલું જ નહી લાલકૃષ્ણ અડવાણી જયારે કચ્છમાં આવે ત્યારે ગાંધી સમાધિના દર્શન માટે અચુક પહોચે છે.
ગાંધી સમાધિનું ૧૯૯૮માં આવેલા વિનાશક વાવાઝોડા પુન: નિર્માણ કરી લાલકૃષ્ણ અડવાણીના હસ્તે લોકાપર્ણ કરાયું હતું અને ૨૦૦૧ના ભૂકંપ બાદ ગાંધી સમાધિનું નવીનીકરણ કરાયું છે. આજે ૩૦ જાન્યુઆરીના ગાંધી નિર્માણ દિવસ નિમિતે મોટી સંખ્યામાં આદિપુર ખાતેની સમાધિ સ્થળની મુલાકાત લઇ શ્રધ્ધાજંલી આપવામાં આવે છે. પણ સૌરાષ્ટ્રવાસીઓ ગાંધી સમાધિની વિગતોથી અજાણ છે તે મોટી કમનસીબી છે.