રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો- લોકગીતો ભજનોની રમઝટ બોલાવી
રાજકોટ સ્થિત આઝાદી પર્વે 1946માં સ્થાયેલી ઐતિહાસિક કડવીબાઈ વિરાણી ક્ધયા વિદ્યાલય ખાતે સોમવારે સાંજે ગાંધી વંદના સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીની લડતમાં આહુતિ આપનાર શહીદવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી. મહાત્મા ગાંધી, સરદાર પટેલના નિકટના સાથી, સ્વાતંત્ર્ય- સેનાની, આઝાદી પહેલાં 1922માં સ્વયંભૂ પોતાનું રાજ ત્યાગીને પ્રજાને સોપનાર સહુપ્રથમ રાજવી, ભારતિય બંધારણ સ્થાપક સભ્ય, ઢસા(જી.અમરેલી), અને રાય- સાંકળી(જી. સુરેન્દ્રનગર) ના દરબાર ગોપાળદાસ દેસાઈ અને એમનાં ધર્મપત્ની, સ્વાતંત્ર્ય- સેનાની ભક્તિબા દેસાઈ તથા લોકસેવક, સ્વાતંત્ર્ય- સેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરની પુણ્યસ્મૃતિમાં તેમજ લોકસેવક, સ્વાતંત્ર્ય સેનાની, પૂર્વ મંત્રી વજુભાઈ શાહની 113મી જન્મ જયંતિ અને એમના ધર્મ પત્ની, ખાદી રચનાત્મક ક્ષેત્રના આગેવાન, આજીવન સમાજસેવિકા અને પૂર્વ સાંસદ જયાબેન શાહની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આ પ્રેરક આયોજન કરાયું છે. નવી પેઢીમાં રાષ્ટ્ર ભાવનાનું સંસ્કાર- સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્કૃતિ , સાહિત્ય , સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત પ્રેરિત થાય તે આશયથી રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ગ્રામ સ્વરાજ મંડળ તથા વલ્લભ ક્ધયા કેળવણી મંડળ દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું.
ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત- સંશોધિત-સંપાદિત ગીતો – લોકગીતોની રમઝટ બોલાવી હતી. જાણીતાં સંગીતકાર પંકજ ભટ્ટનું સુરિલું સંગીતથી આયોજન હતું. કસુંબીનો રંગ, મોરબની થનગાટ કરે, શિવજીનું હાલરડું, ચારણ ક્ધયા, ભેટયે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, અષાઢી સાંજના અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજુ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી 2014માં લિખિત દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન કાર્યને આલેખતું પુસ્તક પ્રિન્સ ઑફ ગુજરાતનો રસપ્રદ ગુજરાતી અનુવાદ એક અનોખો રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈ: રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્થિત સાહિત્ય અભ્યાસુ ઇજનેર પુત્ર અશોકભાઈ મેઘાણીએ કર્યો છે. નવજીવન ટ્રસ્ટ દ્રારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન આ અવસરે કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણીઓ ડો. બારીન્દ્ર દેસાઈ, દેવેન્દ્ર દેસાઈ, ધીરુભાઈ ધાબલિયા, હિંમતભાઈ ગોડા તેમજ સરોજબેન અંજારિયા, ઉર્મિલાબેન દેસાઈ, હીરાબેન માંજરિયાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું.
નવી પેઢીમાં રાષ્ટ્ર ભાવનાનું સંસ્કાર- સિંચન થાય તે આશયથી કાર્યક્રમનું કરાયું આયોજન: પિનાકી મેઘાણી
રાષ્ટ્રિય ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક પિનાકી મેઘાણીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે
મહાત્મા ગાંધીના મૂલ્યો એને વિચારોને વરેલા દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્તિબા, ઢેબરભાઇ, વજુભાઈ શાહ, જયાબેન શાહની પુણ્ય સ્મૃતિમાં ગાંધી વંદના સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયકો અભેસિંહભાઇ રાઠોડ, રાધાબેન વ્યાસ, સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા
ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો- લોકગીતો ભજનોની રમજટ બોલાવી હતી. આ કાર્યક્રમમા બહોળી સંખ્યામં વિધાર્થીઓ ઊપસ્થિત રહિયા હતા. નવી પેઢીમાં રાષ્ટ્ર ભાવનાનું સંસ્કાર- સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્કૃતિ , સાહિત્ય , સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત પ્રેરિત થાય આ આશયથી ગાંધી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.