આપણાં દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી કે જેમણે અહિંસાના માર્ગે ચાલી દેશને આઝાદ અપાવવામાં અનન્ય ફાળો આપેલો. જાન્યુઆરી માસની ૩૦મી તારીખે બાપુએ દેશને અલવિદા કહી હતી. આ દિવસને સમગ્ર દેશમાં શહીદ દિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ વર્ષે બાપુને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બે મિનિટ માટે તો આખો દેશ થોભી જશે. જી, હા 30મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાના ટકોરે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પળાશે. આ માટે ખાસ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર દ્વારા જણાવ્યું છે કે 30મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ બે મિનિટના મૌનમાં સંપૂર્ણ ભારતમાં કોઈ કામગીરી થશે નહી. કચેરીઓ અને શાળાઓમાં બે મિનિટ માટે કામગીરી અટકાવવામાં આવશે. એટલે કે જો તમે વાહન સાથે રોડ રસ્તા પર હશો તો પણ તમારે થોભી જવું પડશે. આ સાથે ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, મૌનનું પાલન કરાવવા માટે 10:59 AM વાગ્યે સાયરન પણ વગાડાશે. આ સાયરન પછી, ભારતના પ્રત્યેક નાગરિકએ 2 મિનિટ સુધી મૌન પાળવાનું રહેશે.
આ ઉપરાંત, 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ, પ્રધામંત્રી,રક્ષામંત્રી અને ત્રણેય સેનાના વડા સહિતના મહાનુભવો રાજઘાટ પર ઉપસ્થિત રહી ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપશે.