ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અપાયું આમંત્રણ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જયાં અભ્યાસ કર્યો હતો તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કુલમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી મ્યુઝિયમ બનાવવાનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણતાની આરે હોય ઓકટોબર માસમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આલ્ફેડ હાઈસ્કુલ ખાતે નિર્માણાધીન ગાંધી મ્યુઝિયમનું કામ હાલ પૂર્ણતાના આરે છે. પરીસરમાં ગાર્ડન બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગાંધી મ્યુઝિયમનું સંચાલન, ફુડ કોર્ટનું સંચાલન અને સોવેનીયર શોપનું સંચાલન સંસ્થાને સોંપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. ઓકટોબર માસમાં ગાંધી મ્યુઝિયમનું કામ સંપૂર્ણપણે આટોપી લેવામાં આવશે. રાજકોટના આંગણે બનેલા વિશ્ર્વકક્ષાના ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. સંભવત: ૨જી ઓકટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે જ આ મ્યુઝિયમનું લોકાર્પણ થાય તેવા પ્રયાસો મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે જો આવુ શકય નહીં બને તો ઓકટોબર માસમાં કોઈપણ દિવસે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરી દેવામાં આવશે.