રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ગુજરાતમાં વ્યાપક રીતે કરાશે: વિજયભાઈ રૂપાણી.
ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની વ્યાપક પ્રમાણમાં ઉજવણી કરવામાં આવશે તેમ મહાત્મા ગાંધી મ્યુઝીયમ સહિતના અલગ-અલગ પ્રોજેકટના લોકાર્પણ વેળાએ યોજાયેલી જાહેરસભામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાત્મા ગાંધીજીના કારણે પ્રખ્યાત છે. પૂજય ગાંધીજીએ સાત વર્ષ અહીં અભ્યાસ કર્યો હતો અને રહ્યા હતા. આજે ગાંધી સર્કિટને કારણે રાજકોટ એક મહત્વનું સેન્ટર બની રહ્યું છે. કેન્દ્ર સરકારે ગાંધી મ્યુઝીયમ બનાવવા, રાષ્ટ્રીયશાળા અને કબા ગાંધીના ડેલાના ર્જીણોઘ્ધાર માટે માતબર રકમ ફાળવી છે. આજે આખુ વિશ્ર્વ મહાત્મા ગાંધીના વિચારોને સ્વિકૃત કરીને માની રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂજય ગાંધીજીના વિચારોને મુર્તીમંથ કરવા માટે અનેક કાર્યક્રમો ઉપાડયા છે. આગામી ૨જી ઓકટોબરથી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતમાં વ્યાપક રીતે ગાંધીજીના વિચારોના થીમ આધારીત કાર્યક્રમો યોજવામાં આવશે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકને પોતાનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાને બીડુ ઉપાડયું છે. તેઓ ગાંધી વિચારોને લઈ આગળ વધી રહ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગરીબોને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ ચરિતાર્થ કરી છે. આજે આલ્ફેડ હાઈસ્કુલમાં ગાંધી મ્યુઝિયમમાં ખરાઅર્થમાં ગાંધીજી લોકો વચ્ચે પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે વધુને વધુ લોકો ગાંધી વિચારોને પ્રેરણાસ્ત્રોત બનાવીને સાર્થક કરશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.