મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો
કોંગ્રેસને મોટો ફટકો, જેમને હાથો બનાવીને કેપ્ટનનું પતું કાપ્યું, હવે તે હાથો પણ ગુમાવ્યો : સર્વેસર્વા રહેવાની હાઇકમાન્ડની લ્હાયના લીધે કોંગ્રેસને એક પછી એક નુકસાન ભોગવવાનો વારો આવ્યો
અબતક, નવી દિલ્હી : કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. આ કહેવત કોંગ્રેસને પંજાબ સંદર્ભે બરાબર બંધ બેસે છે. કોંગ્રેસે મૂર્ખ મિત્ર સિધુને હાથો બનાવીને કેપ્ટનનું પતું કાપ્યું પણ હવે કોંગ્રેસે આ હાથો પણ ગુમાવી દીધો છે. સર્વેસર્વા રહેવાની હાઇકમાન્ડની લ્હાયના લીધે કોંગ્રેસને એક પછી એક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સિધુનું રાજીનામુ પડતા હવે તેને રોકવા માટે કોંગ્રેસ તમામ પ્રયાસો કરી રહ્યું છે.
નવજોત સિંઘ સિધુનું રાજીનામું કોંગ્રેસ હાઈકમાન્ડે ફગાવી દીધું છે. તેમને મનાવવા માટે પંજાબના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમનાથી વાત ન બનતાં હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પંજાબ પહોંચ્યા છે. તેઓ સિદ્ધુને રાજીનામું પાછું ખેંચવા મનાવશે. અગાઉ મંગળવારે રાત્રે સિધુ પરગટ સિંહ અને અમરિન્દર સિંહ રાજા વડિંગના નજીકના મંત્રીઓ પટિયાલા પહોંચ્યા હતા. બંનેએ બહાર આવીને કહ્યું હતું કે કેટલાક મુદ્દાઓ છે, જે આજે એટલે કે બુધવારે ઉકેલ લવાશે. ત્યાર બાદ બુધવારે સવારે તેઓ ફરીથી પટિયાલા સિધુના ઘરે પહોંચ્યા હતા.
આ દરમિયાન મુખ્યમંત્રી ચરણજિત ચન્નીએ આજે સવારે 10.30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. આમાં સિદ્ધુને મનાવવા પર પણ નિર્ણય લેવામાં આવશે.આ સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડે પહેલીવાર સિદ્ધુના રાજીનામા પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. બધું જલદી સારું થઈ જશે.
કેબિનેટની બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે મોટા ભાગના મંત્રી સિદ્ધુના રાજીનામાથી નાખુશ છે. જે સમયે મંત્રી ખુરશી સંભાળી રહ્યા હતા ત્યારે સિદ્ધુએ ટ્વીટ કરીને રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. બાદમાં મોડી રાત સુધી સીએમ ચન્ની પંજાબ સચિવાલયમાં બેઠા હતા. તેમણે મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે તેમણે કહ્યું હતું કે સિદ્ધુ સાથે વાત કર્યા બાદ તેમને નારાજગી વિશે ખબર પડશે.
સિધુને પંજાબના “કેપ્ટન” બનવુ હતું, પણ હાઈકમાન્ડે એવું ન થવા દીધું એટલે રાજીનામુ પડ્યું
કેપ્ટન અમરિંદરના હટ્યા પછી સિધુ પણ પંજાબના નવા કેપ્ટન બનવા માંગતા હતા. પણ હાઈકમાન્ડે આવું ન થવા દેતા સીધુનું રાજીનામુ પડ્યું છે. સીધુ અગાઉ પણ મુખ્યમંત્રી તરીકે પોતાના માનિતાને આગળ કરવા ઇચ્છતા હતા. પણ હાઇકમાન્ડે એવું થવા ન દીધું હતું. ચન્નીના સીએમ બન્યા બાદ સિધુતેમના પર હાવી હોવા ઈચ્છતા હતાં. સિધુ સતત તેમની સાથે ફરતા રહ્યા. ક્યારેક હાથ પકડતા તો ક્યારેક ખભા પર હાથ રાખતા.
તેને લઈને પણ સવાલ થવા લાગ્યા કે સિદ્ધુ સુપર સીએમની રીતે કામ કરી રહ્યા છે. આ બાબત ગંભીર લાગતા તેમને પાછળ ખસવું પડ્યુ. સિધુ ઈચ્છતા હતા કે એડવોકેટ ડીએસ પટવાલિયા પંજાબના નવા એડવોકેટ જનરલ બને. તેમની ફાઈલ પણ મોકલવામાં આવી. ત્યાર બાદ અન્ય નેતાઓએ વિરોધ કર્યો. પહેલા અનમોલ રતન સિદ્ધુ અને પછી એપીએસ દેયોલને એડવોકેટ જનરલ બનાવી દેવામાં આવ્યાં. ચન્ની સરકારમાં સિદ્ધુ પોતાના નજીકનાને મંત્રી બનાવા માગતા હતા.
તેમાં સિદ્ધુની મનમાની ન ચાલી. કેપ્ટનના નજીક રહેલા બ્રહ્મ મોંહિંદરા, વિજયેન્દ્ર સિંગલાથી લઈને ઘણા ધારાસભ્યો રિપિટ થયા. તે સિવાય રાણા ગુરજીત પર રેતી ખનનમાં ભૂમિકા બાદ પણ તેમને મંત્રી બનાવામાં આવ્યા. આવા જ 4 નામોને લઈને સિદ્ધુ નાખુશ હતાં. તેમને રોકવામાં તેમનું કઈ જ ન ચાલ્યું. કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રીઓના નામ નક્કી કરવા માટેની બેઠકમાં માત્ર ચરણજીત ચન્નીને બોલાવ્યા. સિદ્ધુને તેમા સામેલ ન કરવામાં આવ્યા. સિદ્ધુએ આપેલા લિસ્ટને હાઈકમાન્ડે ફાઈનલ ન કર્યું.
તેનાથી તે નાખુશ થયા હતાં. સિદ્ધુ ઇચ્છતા હતા કે સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પંજાબના નવા ડીજીપી બનાવવામાં આવે. આ માટે સમગ્ર કેમ્પ પણ શરૂ થઈ ગયો હતો. આમ છતાં જ્યારે દિનકર ગુપ્તા રજા પર ગયા ત્યારે ચન્નીએ ઇકબાલપ્રીત સિંહ સહોતાને ડીજીપીનો હવાલો આપ્યો હતો.સિદ્ધુ ઇચ્છતા હતા કે રાજ્યનો ગૃહ વિભાગ સીએમ ચરણજીત ચન્ની સાથે રહે. આમ છતાં મંત્રાલય ડિવિઝનમાં ગૃહ મંત્રાલય સુખજિંદર સિંહ રંધાવાને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ સિદ્ધુની ધીરજ ભાંગી પડી હતી. બપોર સુધીમાં તેમણે રાજીનામું આપ્યું.
કેપ્ટને શાહ- નડાની મુલાકાત વિશે નનૈયો ભણ્યો, કહ્યું હું તો ઘર ખાલી કરવા દિલ્હી આવ્યો છું
પંજાબના પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તમારી હવે પછીની શું યોજના છે? આ અંગે અમરિંદરે કહ્યું કે હું કોઈ નેતાને મળી રહ્યો નથી, ઘર ખાલી કરવા આવ્યો છું.18 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા. આ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે અમરિંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. આ વાતને લઈને હાલ પંજાબનું રાજકારણ ગરમાયું છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેપ્ટન ભાજપમાં જોડાઈ શકે છે. વિરોધી પાર્ટીઓ અને રાજકીય એક્સપર્ટથી લઈને કોંગ્રેસ પણ કેપ્ટનના વલણની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરિંદર સિંહે નવજોત સિધુ સાથે ચાલી રહેલા વિવાદ પછી મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. એ પછી કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજિત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
સીધુ અસ્થિર, સરહદી રાજ્ય પંજાબ માટે તે યોગ્ય નથી : અમરીંદરસિંઘ
નવજોતસિંઘ સિધુના રાજીનામા બાદ કેપ્ટન અમરિંદરે ટ્વીટ દ્વારા પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ માણસ સ્થિર નથી અને સિદ્ધુ સરહદી રાજ્ય પંજાબ માટે યોગ્ય નથી. અગાઉ પણ રાજીનામું આપ્યા બાદ, કેપ્ટન અમરિંદર સિંઘે પરોક્ષ રીતે સિધુને પંજાબ રાજ્યની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે નવજોત સિધુ કોંગ્રેસમાં આપત્તિ સમાન છે.
કોંગ્રેસે તેમને પ્રમુખ બનાવ્યા ન હોવા જોઈએ. સિદ્ધુ પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા અને વડાપ્રધાન ઈમરાન ખાનના મિત્ર છે. જો તેમને સીએમ બનાવવામાં આવે તો હું તેનો વિરોધ કરીશ. અમરિંદર સિંહે કહ્યું હતું કે પંજાબ એક સરહદી પ્રાંત છે, જ્યાં અસ્થિરતા પેદા કરવા માટે સરહદ પારથી હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનથી ડ્રગ્સ જથ્થો સતત આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ પંજાબની સુરક્ષા માટે લડતા રહેશે.
કેપ્ટને કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે નવજોત સિધુ તેમને બિલકુલ સ્વીકાર્ય નથી, કારણ કે આ વ્યક્તિ પંજાબ માટે આફત છે. તેમણે કહ્યું કે સિધુ કેબિનેટ મંત્રી તરીકે પોતાનો પોર્ટફોલિયો સંભાળી શક્યા નથી, તેઓ પંજાબ શું સંભાળશે?