મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ
૧૬ ફેબ્રુઆરીએ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ‘મેઘાણી સાહિત્ય’ કોર્નરની સ્થાપના થશે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ૧૯મો ગાંધી મેળો યોજાયો હતો. ગાંધી-મૂલ્યો-વિચારો તથા ખાદીનાં પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી ગ્રામોદ્યોગ આયોગ તથા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની ૧૨ જેટલી રચનાત્મક-ખાદી સંસ્થાઓ દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. ગાંધીજી પ્રબોધિત ખાદી અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ યોજાયું હતું.
ભારત સરકારના ખાદી ગ્રામોદ્યાગ કમિશનના પૂર્વ-અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વિદ્યુતભાઈ જોષી, કુંડલા ગ્રામ સેવા મંડળ (ખડસલી)ના મનુભાઈ મહેતા, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના વિકાસ અધિકારી દિપકભાઈ પટેલ, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગ્રામ નિર્માણ સમાજ (મહુવા)ના સંજયભાઈ ભટ્ટ, કાંતિભાઈ પરસાણા (થોરડી), ગીતાબેન દવે (અમરેલી), પિનાકીનભાઈ મકવાણા, ગોવિંદભાઈ જાદવ, જતીનભાઈ ઘીયા અને અજિતસિંહ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને બહેનોની હાજરી રહી.
ડો. વિદ્યુતભાઈ જોષીએ સાંપ્રત સમયમાં ગાંધી-મૂલ્યો-વિચારોની વિશિષ્ટ ભૂમિકાનું વિશ્લેષણ કર્યું હતું. નવી પેઢીને ગાંધીજીનાં ૧૧ મહાવ્રતોમાંથી એકને પણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. ગાંધીજી આપણી વચ્ચે સદેહે નથી, પણ એમના મૂલ્યો-વિચારો આજે પણ જીવંત છે તેમ દેવેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું. રવજીભાઈ સોલંકી, ધીરૂભાઈ ડાભી, ચન્દ્રવદનભાઈ શાહ અને ગોવિંદસંગભાઈ ડાભીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નવી પેઢીને ખાદી પહેરવા તેમજ ખરીદવાની પ્રેરણા દેવેન્દ્રભાઈ દેસાઈ, મનુભાઈ મહેતા અને ગોવિંદસંગભાઈ ડાભીએ આપી હતી.
મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, જૈન મુનિ સંતબાલજી, રવિશંકર મહારાજ, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, મણિભાઈ પટેલ, હરિવલ્લભભાઈ મહેતાને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે પિનાકી મેઘાણી દ્વારા પરિકલ્પિત અલભ્ય તસ્વીરો-ઈતિહાસને આલેખતું રસપ્રદ-માહિતીસભર સચિત્ર પ્રદર્શન ‘ગાંધીદર્શન-મેઘાણીગાથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં વિશાળ પ્રાર્થના ખંડમાં સ્થાપિત કરાયું હતું.
૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા ગાંધીજીની મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરતું કાવ્ય ‘છેલ્લો કટોરો ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં લખ્યું ને ‘રાષ્ટ્રીય શાયર’નું ગૌરવભર્યું બિરુદ મહાત્માજી પાસેથી પામ્યા. જેમણે આજીવન ખાદી પહેરી હતી તેવા ઝવેરચંદ મેઘાણીએ ખાદીનાં પ્રચાર-પ્રસાર માટે રાણપુર સ્થિત ફૂલછાબ કાર્યાલયમાં ખાદી-કેન્દ્ર શરૂ કર્યું હતું. આની સ્મૃતિમાં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા ‘ગાંધી ગૌરવ યાત્રા’નું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં. આ સાથે સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસના સહયોગથી, ૧૬ ફેબ્રુઆરી ને શનિવારે – સાંજે ૪ કલાકે – રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ‘મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ રહી છે.