ભકતોનાં ઘરોમાં બિરાજમાન થયા દુંદાળાદેવ; દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન-અર્ચન સાથે શ્રધ્ધાનો સાગર ઘુઘવશે
ભાદરવા સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચતુર્થી સાથે ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો છે. દર વર્ષે આ દિવસે ગણપતિબાપાનું વાજતે ગાજતે ડી.જે, ઢોલ નગારા સાથે સ્વાગત કરી સ્થાપન કરવામાં આવે છે.
પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે દુંદાળાદેવની જાહેરમાં પંડાલોમાં સ્થાપ્ના ન કરી ભકતોએ પોત પોતાના ઘરમાં જ દાદાને બિરાજમાન કર્યા છે. અગિયાર દિવસ સુધી ચાલનારા ગણપતિ મહોત્સવની અંદર આ વર્ષે ભકતો પોત પોતાના ઘરમાં દાદાની સેવા પૂજા આરતી, દર્શન કરી ધન્યતા અનુભવશે.
ગણપતિ મહોત્સવને ઉજવવા છેલ્લા ઘણા દિવસથી ભકતો ઉત્સાહમાં હતા. ત્યારે આજે ગણેશચતુર્થી સાથે ગણપતિ મહોત્સવની રળિયામણી ઘડી આવી ચૂકી છે. આજથી પૂનમ સુધી એટલે કે અગિયાર દિવસ ભાવિકો બાપાને મોદક, અન્નકૂટ ધરાવી પ્રસન્ન કરશે.
એવું કહેવાય છે કે ગણપતિ મહોત્સવમાં ગણપતિની શ્રધ્ધાપૂર્વક સ્થાપ્ના કરી સવાર-સાંજ આરતી, પૂજન કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે.
આ વર્ષે ભાવિકોએ ઈકો ફેન્ડલી મૂર્તિ જાતે બનાવી વિવિધ રંગો અને મોતી ડાયમંડનો શણગાર કરી ગણપતિ બાપાનું સ્થાપન કર્યું છે.
ગણેશ પૂરાણ પ્રમાણે ભાદરવા સુદ ચોથની તીથીએ ગણેશજીનો જન્મ થયો હતો. તેથી જ આ દિવસથી ગણપતિ બાપાની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-શાંતિની સાથે સાથે નવા બિઝનેશની શરૂઆત ઘરેણા, પ્રોપર્ટી અને વાહનની ખરીદી શુભ રહે છે.
દર વર્ષે મોયા પંડાલોમાં યોજાતા ગણપતિ મહોત્સવ આ વર્ષે મોકૂફ રહી તેનું ઓનલાઈન આયોજન કરાયું છે.
સતત અગિયાર દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આ વર્ષે ગણપતિ બાપાનું ભાવિકો ડેમ, નદી, નાળામાં વિસર્જન કરવાને બદલે પોતાના ઘરે જ વિસર્જન કરશે.