- ગોંડલ ઉપરાંત ચોટીલા અને ઉનાના અલગ અલગ કુલ ત્રણ અકસ્માતમાં ચાર લોકો કાળનો કોળિયો બન્યા
વધતા જતાં માર્ગ અકસ્માત હવે તદ્દન ચિંતાનો વિષય બની રહ્યા છે. દરરોજ અકસ્માતમાં નિર્દોષ લોકો હોમાઈ રહ્યા હોય તેવા અહેવાલો વચ્ચે સૌરાષ્ટ્રમાં વધુ ત્રણ અકસ્માતમાં ચાર લોકો કાળનો કોળિયો બન્યા છે. અલગ અલગ ત્રણ અકસ્માતમાં બે મિત્રો, એક પ્રૌઢ અને એક વૃદ્ધનું મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો ગોંડલ ખાતે મોડી રાત્રે માર્ગ અકસ્માતની એક ગોઝારી ઘટના બની હતી. બે બાઇક સામસામે અથડાતાં બાઇકસવાર બે મિત્રનાં મોત નીપજ્યાં છે. બંને મિત્ર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કમઢીયા ગામ નજીક મામાદેવના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો. સુલતાનપુર પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના નવાગઢ (જેતપુર) ગામના બે મિત્ર હિતેશભાઈ હરિભાઈ મકવાણા (ઉ.વ.17) રહે ખોડિયારધામ, નવાગઢ, જેતપુર અને પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા (ઉ.વ.20) રહે સરધારપૂર,જેતપુરવાળા બાઈક પર નવાગઢ ગામથી ગોંડલના કમઢીયા ગામ પાસે આવેલા મામાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન, તેમની બાઈક અન્ય બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થતા ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં કરાઈ હતી. આથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જો કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંને મિત્રોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા સુલતાનપુર પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, બે આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનો અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.
બંને મૃતકોની જો વાત કરવામાં આવે તો બંને છૂટક મજૂરી કરીને પરીવાર મને આર્થિક રીતે મદદરૂપ થતાં હતા. મૃતક હિતેષભાઈ બે ભાઈઓમાં નાનો હતો અને મૃતક પ્રકાશભાઈ પણ બે ભાઈઓમાં નાનો હતો. બંને આશાસ્પદ યુવાનોના મોતથી પરીવારનો શોકમાં ગરકાવ થયો છે.
સગાઈમાં જતાં પ્રૌઢનું અને દૂધ દેવા જતાં વૃદ્ધનું બાઈક સ્લીપ થતાં મોત
અલગ અલગ બે બનાવમાં એક બનાવ ચોટીલાનો છે જ્યાં દૂધ દેવા જતાં મોહનભાઇ ચોથાભાઈ સોસા(ઉ.વ.55) રહે રામપરા (ચોબારી, ચોટીલાવાળા વૃદ્ધનું ગત સાંજે આશરે સાત વાગ્યા આસપાસ બાઈક સ્લીપ થતાં મોત નીપજ્યું હતું. જયારે અન્ય બનાવ ઉનાનો છે જ્યાં માછીમારીનો વ્યવસાય રણછોડ લભાઈ ઉર્ફે નારણભાઈ બાંભલીયા (ઉ.વ.49) રહે ચીંબર ગામ, ઉનાવાળા વૃદ્ધ ગત રોજ સવારના અગ્યાર વાગ્યાં આસપાસ મોટરસાયકલ લાઈને ફુલ્કા ગામ ખાતે સંબંધીને ઘેર સગાઈના પ્રસંગમાં જતાં હતા દરમિયાન લામધારના પાટિયા પાસે વાહન સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન થઇ ગયાં હતા. આસપાસના લોકોએ એમ્બયુલેન્સને જાણ કરતા ઉના સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક રણછોડભાઈને 2 પુત્ર અને 4 પુત્રી છે.
મોરબીના ખારચીયા ગામે કારખાનાની ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના ગુંગળામણથી મોત : બે સારવાર હેઠળ
મોરબીના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ગોજારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ખારચિયા ગામે કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત થયા છે. ખારચિયા ગામે કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્લાન્ટ બંધ હોય જેની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી બેના મોત થયા છે જ્યારે બેની સારવાર ચાલી રહી છે. મંગલ સોર અને અનંત ઘોસાલ નામના શ્રમિકના મોત થયા છે. આ દુર્ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.