- સોમનાથ દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના પરિવારના બે યુવાનોએ ગોઝારા અકસ્મામાં જીવ ગુમાવ્યો: બે ઘવાયા
- જીવલેણ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ બંને ઈજાગ્રસ્તોને 108ની ટીમે હોસ્પિટલ ખસેડ્યા
જૂનાગઢના વંથલી નજીક આજ રોજ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક અથડાતાં અમદાવાદના બે યુવાનોના મોત નીપજતાં હતા. સોમનાથ દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના પરિવારના બે યુવાનોએ ગોઝારા અકસ્મતમાં જીવ ગુમાવતા આક્રંદ છવાયો છે. જ્યારે જીવલેણ અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ઘટનાની જન થતા 108ની ટીમ તાબડતોડ દોડી ગઈ હતી અને ઘવાયેલા બે યુવાનોને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની મળી રહેલ વિગતો મુજબ આજે સવારના પોણા સાત વાગ્યાના અરસામાં જુનાગઢ -વંથલી રોડ ઉપર શાપુર બ્રિજ પહેલા પાંડેજી હોટલની આગળ એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કાર સાવ બૂકડો વળી ગઈ હતી. અને તેમાં બેસેલા 4 શખ્સો પૈકી બેના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
વધુ વિગતો મુજબ જીજે -1 -કેવાય -5263 નંબરની શિફ્ટ ડિઝાયર કારમાં અમદાવાદના 4 મિત્રો સોમનાથના દર્શને જઈ રહ્યા હતા. ત્યારે જુનાગઢ -વંથલી રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના નગીનભાઈ મૂળજીભાઈ વેગડા (ઉં.વ. 39) અને હર્ષ બીપીનભાઈ પટેલ (ઉં.વ. 25) નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અમદાવાદના પાર્થ તળશીભાઇ ચૌહાણ (ઉ. વ. 25) અને નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમાર (ઉ. વ. 42) ને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતની 108 ને જાણ થતા વંથલી તથા જૂનાગઢની બે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈ.એન.ટી. જયદીપ સિંધવા, બીજલ ગઢવી તથા પાયલોટ રાહુલ વાઘેલા અને કુલદીપ વાળા દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકોને તપાસી તાત્કાલિકા સારવાર સહિતની કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતમાં ઘવાયેલ બને યુવાનોને જુનાગઢ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતા વંથલી પી એસ આઈ. ઊંજીયા સહિતનો સ્ટાફ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ અકસ્માતની તપાસ હાથ ધરાય છે.
અમદાવાદના ચાર યુવાનો કારમાં સોમનાથ મહાદેવના દર્શને જઈ રહ્યા હતા ત્યારે બે યુવાન કાળનો કોળિયો બનતા ગમગીની છવાઇ છે. ઘટના અંગે પોલીસ અને 108ની ટીમ તાબડતોડ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈજાગ્રસ્તોને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી ટ્રાફિક કલિયર કરાવી આગળની કાર્યવાહી હાથધરી છે.