સાગર સંઘાણી
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. રાજ્યમાં દરરોજ માર્ગ અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. ડ્રંક એન્ડ ડ્રાઇવ, હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ કે બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતના થયો હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજ રોજ જામનગરમાં લાલપુર ધોરી માર્ગ પર વેરાડ- ભણગોર ગામના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં દંપત્તિ ખંડિત થયું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખાયડી ગામની છે જ્યાં રહેતા અને ખેતી કામ કરતા ભીખાભાઈ ગાગીયા (ઉ.વ ૪૭ વર્ષ) તેમજ તેના પત્ની કુંવરબેન (૪૫વર્ષ), બંને પોતાના કુટુંબીને ત્યાં સગાઈના પ્રસંગમાં ગયા હતા. સગાઈનો પ્રસંગ પૂર્ણ કરીને બાઈક પર બેસીને લાલપુરના ખાયડી ગામ તરફ ફરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
દંપતીને વેરાડ- ભણગોર ગામના પાટીયા પાસે એકા એક પુર ઝડપે આવેલી જીજે ૫-જે.એ. ૯૨૨૨ નંબરની કારના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાછળ બેઠેલા કુંવર બેનને ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પતિ ભીખાભાઈ ગાગીયાને ઈજા થઈ હોવાથી હોસ્પિટલ માટે સારવારમાં ખસેડાયા હતા.
જોકે પાછળથી તેઓને રજા આપી દેવામાં આવી છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક કુંવરબેન ના પુત્ર રવિભાઈ ભીખાભાઈ ગાગીયાએ લાલપુર પોલીસ પથકમાં કાર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કારચાલક પોતાનું વાહન છોડીને ભાગી છુટ્યો હોવાથી કાર કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.