એકવીસમી સદીનું બાળપણ પણ અત્યાધુનિક થઈ ગયું હોય એવું નથી લાગતું? ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનાં ચાહક હશો તો ટ્વિનબેબી ડાયરીઝ નામનું અકાઉન્ટ જરૂર ધ્યાનમાં આવ્યું હશે. ટીવી એક્ટર કરણવીર બોહરા અને ટીજે સિંધુની ટ્વિન બાળકીઓ બેલા અને વિયેનાની પોપ્યુલારિટી હાલ ચરમસીમા પર છે. જેટલી તવજ્જુ કરીના કપૂરનાં તૈમુરને અપાઈ રહી હતી, એનાથી પણ વધુ ફોકસ બેલા-વિયેના પર છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આખા દિવસની તેમની નાનામાં નાની મોમેન્ટ અથવા મસ્તી-શરારતને શુટ કરી તેને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો બચપણની સ્મૃતિને સાચવવા માટેનું આ શ્રેષ્ઠ માધ્યમ ગણી શકાય. પરંતુ સતત કેમેરા અને મોબાઇલનાં સ્ક્રીન સામે મોટા થવાનાં ગેરફાયદાઓ પણ એટલા જ છે. સામાન્ય બાળપણમાં સાદગી હોય છે, નિર્દોષતા હોય છે; જે આજની નવી પેઢી ખોઈ બેઠી છે! સાવ નાની ઉંમરે તેમને મોબાઇલનું વ્યસન થઈ ગયું છે.
નાછૂટકે માં-બાપે તેમને રમકડાંના સ્માર્ટ-ફોન લઈ આપવા પડે છે. થોડાક વધુ સમજદાર થતાં તેમને ખબર પડી જાય છે કે તેમની પાસે રહેલા ફોન તો નકલી છે. છેવટે માતા-પિતા દિવસનાં અમુક કલાકો નક્કી કરી પોતાનાં સંતાનને મોબાઇલ ફોનમાં વીડિયો ગેમ રમવાની મંજૂરી આપી દે છે. આ નવા પ્રકારનાં કલ્ચરને લીધે સૌથી મોટું નુકશાન બાળપણમાં રમાતી આઉટડોર રમતોને થયું છે. લખોટી, સંતાકૂકડી, નદી-પહાડ, ખો-ખો, ભમરડાંની રમતો કોને યાદ છે? અત્યારે તો ક્લેશ ઓફ ક્લેન, પબ-જી, જીટીએ વાઇસ સિટી, કાઉન્ટર સ્ટ્રાઇક જેવી વીડિયો ગેમ જ વધુ ચલણમાં છે.
જ્યાં જુઓ ત્યાં બાળકો સતત મોબાઇલ કે કમ્પ્યુટરની સ્ક્રીનમાં પરોવાયેલા છે. બહારનું વિશ્વ તેમનાં માટે સદંતર નામશેષ થઈ ગયું હોય એવું લાગ્યા રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગયા વર્ષે ચીનનાં 17 વર્ષનાં યુવાનનું વીડિયો ગેમ રમવાને લીધે મૃત્યુ થયું છે. કોઇ હિલચાલ વગર, સતત 40 કલાક સુધી સ્ક્રીનની સામે બેસીને ઓનલાઇન ગેમ રમતાં રહેવાથી તેનું મૌત નિપજ્યું હોવાનું કારણ સામે આવ્યું છે. ચીન ગવર્નમેન્ટ હવે આ બાબતે ખાસ્સી સજ્જ થઈ ગઈ છે. ચીનનાં બાળકો પર રીસર્ચ હાથ ધરવામાં આવ્યો ત્યારે જે ડેટા ત્યાંની સરકાર સમક્ષ પેશ કરવામાં આવ્યો તે નવાઈ પમાડે એવો છે.
મોટાભાગનાં ટીનેજર્સને આંખે નજીકનાં ચશ્મા આવી ગયા છે, જેની પાછળનું એકમાત્ર કારણ વીડિયો ગેમ રમવાની આદત છે! ત્યાંના નેતા જીનપિંગે હવે વીડિયો ગેમ કંપનીઓ પર ભીંસ લાદવાની શરૂ કરી દીધી છે. મોટાભાગની બિલિયોનર વીડિયો-ગેમ કંપનીઓનું હબ ચીનમાં છે. જીનપિંગનાં એલાન બાદ ત્યાંના શેરબજારમાં અબજો ડોલરનો કડાકો જોવા મળ્યો છે. કેટલીય કંપનીઓ રાતોરાત પાયમાલ થવાની કગાર પર આવીને ઉભી રહી ગઈ છે. વિશ્વની સૌથી અગ્રેસર વીડિયો ગેમ કંપની ટેન્સેન્ટ અને ટમ્બલિંગને બહુ મોટો ફટકો પડ્યો છે. જાપાનીઝ ગેમ-મેકર્સ કેપકોમ, કોનામી અને બાંદાઇ નામ્કોને આર્થિક રીતે ગજબનું નુકશાન પહોંચ્યુ છે.
આટલા ધરખમ ફેરફારો લાવવા માટે ચીન સરકાર પાસે મજબૂત કારણ હતું. તેમનું માનવું છે કે ટેન્સેન્ટ જેવી ટેકનોલોજીકલ કંપનીઓને લીધે જ ચીનનાં યુવાનોને વીડિયો ગેમની લત લાગી છે. તેમનું ધ્યાન ભણતરમાંથી હટતું જાય છે. વાર્ષિક પરીક્ષામાં યંગસ્ટર્સનાં નાપાસ થવાનો રેશિયો સતત વધી રહ્યો છે. ગ્વાંગ્ઝુનાં એક દક્ષિણી શહેરમાં 17 વર્ષનાં છોકરાનાં વીડિયો ગેમ રમવાને લીધે પ્રાણપખેરું ઉડી ગયા એ વાત વિશ્વ માટે આશ્ચર્યજનક પુરવાર થઈ. વિશ્વની સૌથી ધનવાન કંપની તરીકે ઉભરી આવેલી ટેન્સેન્ટ ટેકનોલોજીકલ કંપનીએ પાછલા વર્ષોમાં દુનિયાનાં દરેક ખૂણામાંથી સર્વશ્રેષ્ઠ ગેમ-ડેવલપર્સની આખી એક ટીમ ઉભી કરી છે, જેમણે ક્લેશ ઓફ ક્લેન અને લીગ ઓફ લિજેન્ડ્સ જેવી ઓનલાઇન ગેમ બનાવવા પાછળ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. ફક્ત એટલું જ નહીં, ભારત સહિત અન્ય દેશોમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા ચેટિંગ એપ્લિકેશન વી-ચેટ (ચીનની સૌથી પ્રખ્યાત મેસેજિંગ એપ્લિકેશન) પણ ટેન્સેન્ટની જ દેન છે. અત્યારે જેમ ભારતમાં મોટાભાગનાં ડિજીટલ રોકડનાં આદાન-પ્રદાન માટે પેટીએમ, ભીમ કે પછી ફ્રીચાર્જ જેવી એપ્લિકેશનો છે, બિલકુલ એવી જ રીતે ચીનમાં વી-ચેટનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે!
ગત વર્ષ ટેન્સેન્ટ કંપનીની મોસ્ટ પોપ્યુલર ગેમ હોનર ઓફ કિંગ્સને ત્યાંની પોલિટિકલ પાર્ટીએ યુવાનો માટે ઝેર સમાન ગણાવી હતી! જેનાં જવાબમાં ટેન્સેન્ટે યંગસ્ટર્સ માટે વીડિયો ગેમ રમવા માટેનો સમય મર્યાદિત જાહેર કરવાનું ફરમાન બહાર પાડ્યું હતું. તાજેતરમાં ચીન સરકારે તેમની પ્રચલિત ઓનલાઇન ગેમ મોન્સ્ટર હન્ટરને બ્લોક કરી નાંખી છે, જેનાં લીધે કંપનીનાં શેરમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચીનની ન્યુઝ એજન્સી ઝિનહુઆનાં રિપોર્ટ મુજબ, દેશની અડધા ભાગની વસ્તીને ચશ્માનાં નંબર છે! મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ગયા અઠવાડિયે નવી ઓનલાઈન વીડિયો ગેમનાં ડિસ્ટ્રીબ્યુશન બાબતે કેટલાક કડક ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા છે. અમુક પ્રકારની હિંસક રમતોને હવે માર્કેટમાં જેમ ફાવે એમ ફેલાવવામાં નહીં આવે. અમુક ઉંમર કરતાં નાની ઉંમરનાં બાળકોને ગેમ રમવા માટેનો સમય મર્યાદિત કરી દેવાયો છે. તદુપરાંત, ઉંમરનાં હિસાબે વીડિયો ગેમને યોગ્ય રેન્કિંગ આપવામાં આવશે. ચોક્ક્સ વયમર્યાદાથી ઓછી વય ધરાવતાં લોકો એ ગેમ રમી જ નહીં શકે!
નવા નીતિ-નિયમોમાં સ્કૂલમાં ભણાવાતાં ફિઝિકલ એજ્યુકેશન પર પણ વધુ ભાર મૂકવામાં આવશે. આઉટડોર રમતો અને બુદ્ધિલક્ષી પ્રવૃત્તિઓ વધારવા ઉપરાંત હોમવર્કનો બોજો ઘટાડવાનું કહેવામાં આવ્યું છે. 2015માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, ટીનેજર્સને આંખે ચશ્મા આવવાનું સૌથી મોટું કારણ છે : આઉટડોર રમતો પ્રત્યે દાખવવામાં આવી રહેલી આળસવૃત્તિ! ટીવી-લેપટોપ-મોબાઇલનાં સ્ક્રિન્સ અને સ્કૂલ-કોલેજોમાંથી અપાતાં હોમવર્કનાં ભારણનાં પ્રતાપે વ્યક્તિનો સર્વાંગી વિકાસ શક્ય નથી બની રહ્યો.
એક બાજુ વીડિયો ગેમ પ્રત્યેની નારાજગીનો દૌર ચાલી રહ્યો છે, તો બીજી બાજુ વીડિયો ગેમને ઇ-સ્પોર્ટ્સ કેટેગરીમાં સામેલ કરી તેનો સમાવેશ ઓલિમ્પિક્સ રમતમાં કરવા બાબતે વિચારણા ચાલી રહી છે. આ બધાની વચ્ચે વાલી પણ મૂંઝાયા છે કે, આખરે કરવું શું? બાળકોને વીડિયો ગેમ રમતાં રોકી દેવા કે પછી તેમને એમાં આગળ વધવા દઈને ઓલિમ્પિક્સમાં મોકલવા..!? 2015માં સ્ટાર પ્લસ પર આવેલી મહાભારતનાં કૃષ્ણનો એક સંવાદ અહીં દોહરાવવાનું મન થાય છે : સ્વયં વિચાર કીજિયે..!
બાળપણ મહામૂલું છે. એને ઘરની ચાર દીવાલો વચ્ચે વીતાવવાને બદલે વિશ્વની અંતહીન સીમા વચ્ચે પસાર કરવાનું સૌભાગ્ય મળતું હોય તો એ ચૂકવા જેવું નથી. જગજીતસિંહની ગઝલ યાદ છે ને?
યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો..
ભલે છીન લો મુઝસે મેરી જવાની,
મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારીશ કા પાની