ભાજપ અને આપ બન્ને મુખ્યમંત્રીની પસંદગી જાહેર કરવાને લઈને અવઢવમાં : કોંગ્રેસે તો જાહેર જ કરી દીધું કે સીએમના નામની જાહેરાત જીત્યા બાદ કરીશું!!!
વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના નવા નાથનો ચેહરો જાહેર કરતા તમામ પક્ષોમાં જાણે ડર કે મૂંઝવણ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. જેમાં ભાજપ અને આપ બન્ને મુખ્યમંત્રીની પસંદગી જાહેર કરવાને લઈને અવઢવમાં મુકાયા છે. તેવામાં કોંગ્રેસે તો આ પ્રશ્નનો હલ શોધી કાઢ્યો છે. કોંગ્રેસે જાહેર જ કરી દીધું છે કે અમે તો ચૂંટણી જીત્યા પછી જ સીએમનું નામ જાહેર કરીશું. આમ કોંગ્રેસે આવો નિર્ણય લઈને એક ટેન્શનમાંથી તો મુક્તિ મેળવી લીધી છે.
વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવાનો છે. ત્રણેય પક્ષોએ ઘણા સમય પૂર્વે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે બસ ચૂંટણીના એલાનની રાહ જોવાઇ રહી છે. પણ આ ત્રણેય પક્ષો અંદરખાને ધારાસભાની ટિકિટ માટે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. જો કે અંદરખાને કોને ટિકિટ આપવી તે સહિતના નિર્ણયો લેવાઈ ચુક્યા છે. પણ મોટી ચિંતા તો તમામ પક્ષ માટે મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવાની છે.
ભાજપની વાત કરીએ તો ભાજપ ભૂપેન્દ્ર પટેલને જ રિપીટ કરશે કે સીઆર પાટીલને તક આપશે તે અંગે પ્રશ્નાર્થ છે. પાછું કમનસીબીએ છે કે જો અત્યારે સીએમના નામની જાહેરાત કરે તો નારાજગી શરૂ થઈ જાય અને એની અસર ચૂંટણી ઉપર પડે તે નક્કી છે. આવી જ રીતે આમ આદમી પાર્ટીની પણ હાલત ભાજપ જેવી જ છે.જો કે આમ આદમી પાર્ટી પાસે રાજ્ય કક્ષાએ માત્ર 2 જ ચેહરા છે. જો કે એક સામ્યતા બધા પક્ષની છે. કેન્દ્ર કક્ષાના નેતાઓ હાલ વિધાનસભાની ચૂંટણી માટે મોરચો હાથમાં લઈને તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિને લઇ ચિંતન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે આ વખતે પણ કોઈ સીએમનો ચહેરો પ્રમોટ નહી કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ અત્યારે સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ સીએમ પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા તેમણે મૂકી છે. મહત્વનું છે કે સીએમ ચહેરો જાહેર કરે તો કોઈ મોટો વર્ગ નારાજ થવાની ભીતિ કોંગ્રેસને અંદરો અંદર સતાવી રહી છે જેને કારણે સૌને પડખે રાખવા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ સીએમ ચહેરા વગર જ નૈયા પાર કરાવશે.
સીએમના નામની જાહેરાતથી નારાજગી અને ડેમેજની ભીતિ
ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેય માટે અત્યારે વિધાનસભા ચૂંટણી મહત્વની છે. આ ત્રણેય પક્ષને અત્યારે એક જ ચિંતા સતાવી રહી છે. સીએમ પદનો ચહેરો જો જાહેર કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઉદભવી શકે તેમ છે. આનું પરિણામ ખરાબ પણ આવી શકે છે. સીએમના નામની જાહેરાતથી નારાજગી અને ડેમેજની ભીતિ સેવાઈ રહી છે.
રાજકારણ પહેલા કરતા બગડ્યું, વર્તમાન સમયમાં બધાને પદની લાલસા
રાજનીતિમાં એક સમય હતો. પદની લાલસા વગર અનેક લોકોએ પોતાની જિંદગી પક્ષના હિતકાર્યમાં જ વિતાવી છે. પણ અત્યારનું રાજકારણ અલગ થઈ રહ્યું છે. અત્યારે પદ મળે તો કોઈ પણ નેતા બીજા પક્ષમાં ઠેકડો મારતા સહેજ પણ વિચાર કરતા નથી. જેના અનેક ઉદાહરણો પણ ગુજરાતને મળ્યા છે. આમ અત્યારના રાજકારણમાં બધાને પદની લાલસા જાગી રહી છે તે પ્રશ્ન રાજકીય પક્ષોને નડી રહ્યો છે.