જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, પડધરી અને મોટી મારડના શ્રાવણીયા જુગાર પર પોલીસ ત્રાટકી
શ્રાવણ માસ નિમિતે ઠેર ઠેર જુગાર શરૂ થતા પોલીસે જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણાના જામદાદર અને પડધરી ખાતે જુગાર અંગે દરોડા પાડી રૂા.૧.૩૦ લાખની રોકડ સાથે નવ મહિલા સહિત ૪૭ની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના કુંદણી ગામે જાહેરમાં જુગાર રમતા ભરત આંબા કોળી સહિત સાત શખ્સોની રૂા.૧૩,૭૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે. ગોંડલના પુનિતનગર શેરી નંબર ૯માં રહેતા ગીતાબેન કાંતીભાઇ આદ્રજાના મકાનમાં જુગાર રમતી નવ મહિલાની પોલીસે રૂા.૧૩,૮૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.
જામકંડોરણા તાલુકાના જામ દાદર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રિકમ લખમણ બાબરીયા સહિત દસ શખ્સોને રૂા.૩૦ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.
જેતપુર તાલુકાના સરધારપુર ગામે જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર ગોવિંદ ચંદ્રાવાડીયા સહિત છ શખ્સોને રૂા.૧૨,૬૫૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે. જેતપુરના દેસાઇવાડીમાં અમિત ભૂપત પટેલ સહિત ચાર શખ્સોને રૂા.૩૦ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે. મોટી મારડ ગામે જાહેરમાં જુગાર રમતા વિજય નિખીલ હિરપરા સહિત ૧૯ શખ્સોને રૂા. ૧૯ હજારની રોકડ સાથે ધરપકડ કરાઇ છે.